Published by : Rana Kajal
રાજકોટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને હજુ થોડા જ કલાકો વીત્યા છે ત્યાં તો રાજકોટમાં દારૂબંધીના કાયદાના લિરે-લિરા ઉડતા હોવાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના હાર્દ સમા અને સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યા શખ્સની દારૂ ભરેલી બેગ પડી ગઈ હતી. એ સમયે સ્થાનિકોને બેગમાં દારૂ છે. તેની જાણ થતા ગણતરીની સેકન્ડમાં ટોળું એકત્ર થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી થઈ હતી. જોકે એ સમયે પોલીસના આગમનનો અણસાર આવી જ હતા તુરંત ટોળું બેગની આસપાસથી ખસી ગયું હતું. ઉપસ્થિત ટોળાએ બેગમાંથી લઈ શકાય એટલી દારૂની બોટલો લઈ અને ત્યાંથી નાસી જવાનું જ યોગ્ય સમજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે યાજ્ઞિક રોડ પર સિટી બસનું બસ સ્ટોપ આવેલું છે. ત્યાંથી રાજકોટિયન્સ મોટી સંખ્યામાં સિટી બસમાં પરિવહન કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓને તેમની શાળા-કોલેજ જવા માટે યાજ્ઞિક રોડ પરથી જ સિટી બસ મળી રહે છે. આટલી મોટી સંખ્યામાં જે વિસ્તારમાં લોકો ઉપસ્થિત હોય ત્યાં ચૂંટણીના બીજા જ દિવસે દારૂ ભરેલી બેગ મળતાં પોલીસતંત્ર પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે આ મામલે હાલ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.