- ખોડલધામના ચેરમેન નરેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક
- ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં સામાજિક-રાજકીય શક્તિ પ્રદર્શન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં પાટીદાર આગેવાનો દ્વારા સામાજિક અને રાજકીય શકિત પ્રદર્શન કરવામાં આવશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટના ગોંડલ ખાતે આજે ‘યુદ્ધ એજ કલ્યાણ’ ગ્રુપ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. એમ કહી શકાય કે કોંગ્રેસ બાદ હવે ભાજપના પાટીદાર નેતાઓની આજે બેઠક યોજાશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ આ સંમેલનમાં જોડાશે. આ સિવાય PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. ગતરોજ ખોડલધામ ખાતે પાટીદારો સાથે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ નેતા મનહર પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.

બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ‘આજે ખોડલધામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ખોડલધામ સંસ્થાના સ્થાપક અને પટેલ સમાજના મોભી નરેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી. ગુજરાતમાં આવનારા દિવસોમાં એક પરિવર્તનનો માહોલ બને અને સરકારની અંદર અમારો હિસ્સો બને અને ગુજરાતની સેવા કરવાની મોકો મળે. તે ભાવના સાથે અમે નરેશભાઈની મુલાકાત લીધી.’