- ગાઝિયાબાદમાં ટીચરના ફ્લેટમાં ચોરી થઇ હતી , અને ચોરો એ જ્વેલરી શૉપના નામથી મોકલ્યું પાર્સલ….
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં આશ્ચર્ય પમાડે તેવી ધટના બની હતી.. ચોરોએ મહિલા ટીચરના ફ્લેટમાંથી 25 હજાર રૂપિયા રોકડા અને 14 લાખના ઘરેણાની ચોરી કરી હતી. ઘટનાના ચાર દિવસ બાદ કૂરિયરથી ચોરોએ પાર્સલ મોકલીને ચાર લાખ રૂપિયાના ઘરેણા પરત કર્યા. હવે પોલીસ પણ ચોંકી ગઇ છે કે આવું કેમ બન્યું?. પ્રીતિ સિરોહી કે જે મૂળ રીતે બુલંદશહેરની રહેવાસી છે. તે પરિવાર સહિત ગાઝિયાબાદમાં રાજનગર એક્સટેન્શન સ્થિત ફોર્ચ્યૂન રેસિડેન્સમાં રહે છે. પ્રીતિ સિરોહી દિવાળી મનાવવા માટે 23 ઓક્ટોબરે બુલંદશહેર ગઇ હતી. 27 ઓક્ટોબર સાંજે પરત ફ્લેટ પર પહોંચી. ત્યાં તેમને ફ્લેટ અને તિજોરીનું તાળું તૂટેલું મળ્યું. ઘરમાંથી કેશ અને ઘરેણા ગાયબ હતા. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
દિવાળી આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ સોસાયટીમાં આવ્યો હતો. પોલીસે તેની શોધખોળ કરી છે. જ્યારે પ્રીતિ સિરોહીએ જણાવ્યુ કે, 29 ઓક્ટોબરની સાંજે અંદાજિત 6 વાગ્યે DTDC કંપનીનું કુરિયર બોય એક પાર્સલ લઇને તેમના ફ્લેટ પર આવ્યા. પાર્સલ પર પ્રીતિનું નામ, ફ્લેટ અને મોબાઇલ નંબર પણ લખ્યું હતું. પેકેટ ખોલવા પર તેમાં જ્વેલરી મળી, જે ચોરી થઈ હતી. પેકેટમાં અંદાજિત ચાર લાખ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણા રાખ્યા હતા. એક આર્ટિફિશિયલ જ્વેલરીનું બોક્સ પણ હતું, જેની તે દિવસ ચોરી થઇ હતી.પ્રીતિએ તાત્કાલિક આ મામલે સૂચના ગાઝિયાબાદ પોલીસને આપી. તપાસમાં જાણ થઇ કે, પાર્સલ રાજદીપ જ્વેલર્સ હાપુડના નામથી મોકલવામાં આવ્યું છે. પોલીસ હાપુડ બુલિયન માર્કેટ પહોંચી, પરંતુ આ નામની ત્યાં કોઇ દુકાન ન હતી.ત્યારબાદ હાપુડના DTDC કુરિયર સેન્ટર પર પહોંચીને તપાસ કરવામાં આવી. તપાસમાં ખબર પડી કે આ 2 મિત્રોએ આવીને પાર્સલ બુક કરાવ્યા હતા. પોલીસે કુરિયર સેન્ટરના સીસીટીવી ફુટેજ કબ્જે લઇને બંને શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી દીધી છે. સમગ્ર મામલે માનવામાં આવી રહ્યું છે કે, ચોરીમાં કોઇ નજીકની વ્યક્તિ પણ સામેલ હોય શકે છે, કારણ કે સામાન્ય રીતે ચોરને ફ્લેટ માલિકનું નામ અને મોબાઇલ નંબર ખબર નથી હોતી, જ્યારે આ બંને વસ્તુ પાર્સલ પર લખેલી છે.