Published by : Anu Shukla
- જંત્રીના વધેલા દર ઘટાડવા અને અમલવારીમાં સમય આપવા કરશે માગ
કોરોના બાદ રીયલ એસ્ટેટ માર્કેટ માંડ માંડ ઉભું થઈ રહ્યું છે. જંત્રીના દર વધતા લોકો માટે ઘરનું ઘર ખરીદવું મુશ્કેલ બની જશે કેમ કે સ્ટેમ્પ ડ્યુટી સાથે દસ્તાવેજ ખર્ચ ડબલ થઈ શકે છે.
12 વર્ષ બાદ રાજ્ય સરકારે એકાએક જંત્રીના દરમાં જંગી વધારો કરતા બિલ્ડર એસોસિએશન નારાજ થયું છે. સરકારના નિર્ણયથી યુઝર્સ અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થવાની બિલ્ડર એસોસિયેશને સંભાવના વ્યક્ત કરી છે. જેને લઈ આજે અગ્રણી બિલ્ડરો CM સાથે બેઠક કરશે અને જંત્રીના દરના વધારો 3 મહિના બાદ અમલી કરવા રજૂઆત કરશે. જંત્રીના દરમાં રાજ્ય સરકારે 100 ટકાનો વધારો કરતા બિલ્ડરોમાં 2 દિવસથી બેઠકોનો દોર જામ્યો હતો.
જંત્રીના દરમાં થયેલા વધારાને લઈ બિલ્ડરો CM સાથે કરશે બેઠક
બિલ્ડર એસોસિએશન ક્રેડાઇએ સરકારના નિર્ણયને લોજીક વગરનો ગણાવ્યો હતો. તો ગાહેડે સરકાર પાસે 3 મહિનાનો સમય માગ્યો હતો. જોકે હાલની સ્થિતિને જોતા સ્પષ્ટ છે કે સામાન્ય પ્રજાનું ઘરનું સપનું ચોક્કસ મોંઘુ બનશે. તો બીજી તરફ આ નિર્ણયથી સંપાદીત જમીન માલિકો એટલે કે ખેડૂતોને લાભ થશે. સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં 7 હજાર કરોડનો વધારો થશે અને શહેરમાં પ્રોપર્ટી ટેક્સ પણ 30થી 50 ટકા વધશે.
જંત્રીના દર વધતા બિલ્ડરો અને સામાન્ય પ્રજાનો વિરોધનો સૂર
ગુજરાતમાં હવે ઘર ખરીદવું મોંઘું થશે. સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં સીધો 100 ટકાનો વધારો કરી દીધો છે અને જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. જોકે આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ જંત્રીના ડબલ ભાવવધારા અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. રાજ્યમાં જે રીતે ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એ જોતાં જમીનોના ભાવમાં વધારો પણ થયો છે. એટલે સીધી ભાષામાં કહીએ તો રાજ્યમાં નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજનો ખર્ચ વધી જશે.