- કંપનીમાંથી 83 દિવસમાં ભરાઈને નીકળેલી 10 ગાડીમાં ઇલેક્ટ્રિક વજન કાંટામાં કરાઈ ઘાલમેલ
- ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ લગાડી ઓછું વજન બતાવી 60 ટન સ્ક્રેપ વધુ પડાવી લીધો
જંબુસરના ઉચ્છદ ગામે આવેલી ટાઈમ મૌસર કંપની સાથે અંકલેશ્વરના ભંગારના વેપારીએ ઇલેક્ટ્રોનિક્સ ચિપ્સ લગાડી 60 ટન સ્ક્રેપ વધુ લઈ જઈ રૂપિયા 28.65 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.
જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલી ટાઈમ મૌસર કંપનીમાં જનરેટ થતા સ્ક્રેપની ઓક્શન થકી હરાજી કરાઈ છે. ગત 11 મે થી 2 ઓગસ્ટ સુધી કંપનીમાંથી બે ઓક્શન થકી મેરે ગરીબ નવાઝ અને એ.એન.એન્ટર પ્રાઇઝને 10 ગાડીઓ ભરી 134.470 ટન સ્ક્રેપ મોકલવામાં આવ્યો હતો.જોકે મુંબઈ હેડ ઓફીસ ખાતે સ્ક્રેપનો સ્ટોક ઓછો જણાતા કંપની માં મેઈલ કરાતા ઓડિટ કરાયું હતું. વજન કાંટા ઉપર સીસીટીવી જોયા બાદ વજન કાંટાના ટેકનિશિયનને બોલાવતા કંપની સત્તાધીશો ચોકી ઉઠ્યા હતા.વે બ્રિજ સાથે ઇલેક્ટ્રિક ચિપ્સ લગાડી ડિસ્પ્લેમાં વજનમાં ઘટાડો કરાયો હોવાનું માલુમ પડ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસીમાં રોયલ રેસિડેન્સીમાં રહેતો સ્ક્રેપનો વેપારી ખુરશીદ અહમદ મંજુર ચૌધરી તેના વાહનો લઈ આવી સ્ક્રેપની ગાડીઓ ભરાવતો હતો.જેને ઇલક્ટ્રિક ચિપ્સ કાંટા ઉપર ફિટ કરાવડાવી ખરેખર કરતા ઓછો વજન સેટ કરી 60 ટન વધુ માલ કિંમત રૂપિયા 28.65 લાખનો માલ લઈ જઈ વિશ્વાસઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે ઠગાઈની વેડચ પોલીસ મથકે કંપનીના એડમીનિસ્ટ્રેશન હેડ મહેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.