- જંબુસર પાલિકાની સામાન્ય સભામાં વેરામાં તોતિંગ વધારાનો વિપક્ષનો વિરોધ
- શહેરમાં પીવાના પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, રસ્તાના મુદ્દે સભામાં વિરોધ પક્ષ આકરા પાણીએ
જંબુસર નગર પાલિકા ખાતે મળેલી સામાન્ય સભા વેરામાં તોતિંગ વધારાની દરખાસ્તને લઈ તોફાની બની હતી.
જંબુસર પાલિકા ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીની અધ્યક્ષતામાં શુક્રવારે સામાન્ય સભા મળી હતી. જેમાં ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, વિવિધ કમિટીના ચેરમેન, સભ્યો અને વિપક્ષ હાજર રહ્યા હતા.
સભા પાણી, ડ્રેનેજ અને સફાઈ વેરો વધારવાના મુદ્દે તોફાની બની હતી. વિપક્ષી નેતા સાકીર મલિકે પાલિકા શાસકો પ્રજાને પીવાના પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, રસ્તાની સુવિધામાં આપવામાં નિષ્ફળ ગયા હોવાનો રોષ વ્યકત કર્યો હતો.
જંબુસર નગર માટે 22 કરોડની મીઠા પાણીની યોજના મંજુર થઈ હતી. 18 મહિનામાં પૂર્ણ કરવાની યોજના આજે 12 વર્ષ વીતી ગયા હોવા છતાં અને 22 કરોડના ખર્ચ છતાં પૂર્ણ નહિ થઈ હોવાને લઈ સભામાં વિરોધ પક્ષે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે, મીઠા પાણી હજી પ્રજાને મળતા થયા નથી ત્યાં તો પ્રોટેક્શન વોલમાં ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. અને તળાવમાં પણ મૃત પશુઓ પડે છે.
નગરજનોને હાલ દૂષિત પાણી મળી રહ્યું છે અને અન્ય સુવિધા મળતી નથી ત્યાં પાણી વેરો 1200, સફાઈ વેરો 600, ગટર વેરો પણ બેગણો કરવા સામે ભારે વિરોધ નોંધવાયો હતો.
સામાન્ય સભામાં રોડ રસ્તા સહિતના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા.