Published by : Rana Kajal
- બે પેઢીથી વૈષ્ણવ મંદિરમાં સેવાપૂજા કરતો ભાજપનો કાર્યકર કિશોર ઉર્ફે રવિ જાદવ ભગત જુગારની લત ધરાવતો
- બે વર્ષથી બંધ મોટા મંદિરનું તાળું ખોલી અને હવેલીનું તાળું તોડી ચોરીને આપ્યો અંજામ
- ટ્રસ્ટીઓએ ફરિયાદ નોંધાવતાના ગણતરીના કલાકમાં જ પોલીસે સેવક એવા ચોરને હસ્તગત કર્યો
- જર્જરીત મોટા મંદિરના જીર્ણોદ્ધાર માટે દ્વાર ખોલવા સેવક કિશોરને ચાવી માટે ફોન કરતા ઘર બંધ કરી પલાયન થઈ જતા ભાંડો ફૂટ્યો
જંબુસરમાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન મોટા મંદિર અને હવેલીમાં 37.5 કિલો ચાંદીના રૂપિયા 25.12 લાખની ચોરીમાં મંદિરનો સેવક એવો ભાજપ કાર્યકર જ ચોર નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જંબુસરમાં વૈષ્ણવ સંપ્રદાયનું ગોવર્ધન નાથજીનું પ્રાચીન મોટું મંદિર અને શ્યામલાલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી આવેલી છે. મોટું મંદિર જર્જરીત થઈ ગયું હોય 21 માર્ચના રોજ મંદિરના વહીવટ કર્તા જીજ્ઞેશ હર્ષ વદન ગાંધીએ સુરતથી વેપારી બોલાવ્યા હતા. જે બપોરે આવતા માર્ચ 2021 થી બંધ મોટા મંદિરનો મુખ્ય દ્વાર ખોલવા સેવક કિશોર ઉર્ફે રવિ વસંતરાવ જાદવ ( ભગત) ને ચાવી લઈ આવવા ફોન કર્યો હતો.
મંદિરમાં સેવક તરીકે બે પેઢીથી જબુસરના બલજીરાવ મરાઠા સાફ સફાઈની જવાબદારી નિભાવતા હતા. તેઓનો સ્વર્ગ વાસ થતા તેમની દીકરી રમીલાબેન વસંત રાવ જાદવનો દીકરો કિશોર ઉર્ફે રવિ સેવક તરીકે કામ કરતો. જેને મંદિર ટ્રસ્ટ 1500 પગાર આપતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/e78e62f3-cc09-4128-9423-666626134bff-1024x577.jpg)
મોટા મંદિરની ચાવી તેની પાસે જ રહેતી. જે મંદિર જર્જરતી હોય તેમાંથી ઠાકોરજી, ગોવર્ધનજી, શ્રીનાથજી, સ્વામીશ્રીજી દાઉજીની પ્રતિમાઓ શ્યામલાલ હવેલીમાં પધરાવાઈ હતી.
સુરતના વેપારી મોટા મંદિરનો કાટમાળ ઉતારવા આવ્યા હોય સેવક કિશોરને ચાવી લઈ આવવા કરેલા ફોન બાદ ફરી કોલ કરતા તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. મોટા મંદિર નજીક જ રહેતા સેવક કિશોરના ઘરે જઈ જોતા ઘર બંધ મળી આવ્યું હતું.
અંતે મોટા મંદિરનું તાળું તોડી ટ્રસ્ટીઓએ જોતા અંદર નિજ મંદિરમાંથી મુખ્ય પ્રવેશદ્વાર અને બરશાખ ઉપર મઢેલ 9 કિલો ચાંદી, 15 કિલોના ચાંદીના હિંડોળા, 6 KG નું ચાંદીનું પારણું, 4 નક્કર ચાંદીના સળિયા, ચાંદીની દોરી, 3 કિલોનો રથયાત્રાનો ચાંદીનો સામાન તેમજ ઉષ્ણકાળના 3 કિલોના ચાંદીના દાગીના ચોરી થઈ ગયા હતા.
ટ્રસ્ટીઓએ શ્રી શ્યામલાલ હવેલીમાં પણ તપાસ કરતા હવેલીનું તાળુ તૂટેલું હતું. જેમાંથી ચાંદીની બે થાળી, ભગવાનના રમકડાં 1.5 કિલોના ચોરી થઈ ગયા હતા.
બન્ને વૈષ્ણવ મંદિરમાં કુલ 37.5 કિલો રૂપિયા 25.12 લાખની ચાંદીની ચોરી અંગે વહીવટકર્તાએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જંબુસર PI વી.એન. રબારીએ તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કવોર્ડ સહિતની મદદથી પોલીસે ગણતરીના કલાકમાં જ મંદિરના સેવક એવા ચોર કિશોર ઉર્ફે રવીને ઝડપી લીધો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/4f94dbbd-b402-4543-b406-84ddaa700754-1-768x1024.jpg)
આરોપી સેવક ભાજપનો કાર્યકર હોવાની વિગતો બહાર આવી છે. અને જુગારની લતવાળો હોવાની પણ વિગત સાંપડી રહી છે. જિલ્લા પોલીસની પત્રકાર પરિષદ બાદ જ સેવક દ્વારા જ લાખોની ચાંદીની ચોરીમાં વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.