Published by : Rana Kajal
- મળસ્કે DGVCL અને વિજિલન્સની 93 ટીમો 70 વાહનોમાં ત્રાટકી
- GUVNL ની 10 અને સ્થાનિક 103 પોલીસના બંદોબસ્ત વચ્ચે સવા 6 કલાક ચાલેલા ચેકીંગમાં 3600 વીજ જોડાણ તપાસાયા
- 119 જોડાણોમાં ગેરરીતિ આચરી વીજ ચોરી કરાતી હોવાનું પકડાતા દંડનીય કાર્યવાહી
ગરમીના હજી પગરવ જ શરૂ થયા છે ત્યાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ અને સ્થાનિક મળી 93 ટીમોએ 70 વાહનોના કાફલા સાથે મળસ્કે પડાવ નાખી ભરૂચ અને જંબુસર તાલુકાને ધમરોળ્યું હતું.નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં હવે દોઢ મહિનાનો જ સમય બાકી છે ત્યારે વિવિધ સરકારી વિભાગ અને કંપનીઓ તેમનો ટાર્ગેટ અને બાકી વસુલાત માટે જોરશોરમાં કાર્યવાહી કરી રહ્યાં છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ સર્કલમાં પણ ઊંચા લાઈનલોસ અને વીજચોરીને લઈ DGVCL દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે. આજે મંગળવારે ભરૂચ અને જંબુસર તાલુકાના ગામોમાં લોકો નિંદ્રાધીન હતા ત્યારે જ વીજ કંપનીની સુરત વિજિલન્સ સહિત સ્થાનિક ટીમોએ સવારે 5.30 કલાકે ત્રાટકી દરોડાની કામગીરી હાથ ધરી હતી.
વીજ કંપનીની 93 ટીમોએ 70 જેટલા વાહનો, 10 જીયુવીએનએલ પોલીસ અને 103 સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે વીજ ચોરી ઝડપી પાડવા ચેકીંગ શરૂ કર્યું હતું. જંબુસર ટાઉન, દહેગામ, દેવલા, સિગામ, દયાદરા સહિત આસપાસના ગામોમાં વીજ ચોરી પકડી પાડવા 3600 જેટલા જોડાણો સવારે પોણા 12 વાગ્યા સુધી તપાસવામાં આવ્યા હતા.
ઘરવપરાશના જે પૈકી 119 જોડાણોમાંથી ₹54 લાખની માતબર વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેઓ સામે વીજ ચોરી બદલ કેસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે. વીજ કંપનીના મેગા ઓપરેશનમાં સુરત વીજિલન્સના અધિક્ષક ઈજનેર જી.બી. પટેલ અને ભરૂચ સર્કલના સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર જી.એન.પટેલ તેમની ટીમો સાથે જોડાયા હતા.