Published By : Parul Patel
જંબુસર તાલુકાના બારા વિભાગમાં આવેલ ઇસ્લામપુર ગામની પાછળ આવેલ ખાડીમાંથી પાંચ ફૂટ લંબાઈ અને 50 કિલોગ્રામ વજન ધરાવતા એક મગરને જંબુસર જંગલ ખાતાના અધિકારીઓએ પકડી પાડી તેને યોગ્ય સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અત્યારે વર્ષાઋતુનો સમય ગાળો હોય અને વરસાદ પણ વધુ માત્રામાં પડેલો હોય જેથી નદીઓ કે અન્ય સરોવરો પાણીથી ભરાઈ જાય છે. ત્યારે તેમાં રહેલા મગરો તેમાંથી બહાર નીકળી તણાઈ આવતા હોય છે. ઇસ્લામપુર ગામે ગામની પાછળ આવેલ ખાડીમાં એક મગર આવી પડતાં લોકોએ તેને જોતાં ગામના સરપંચશ્રીએ જંબુસર જંગલ ખાતાનાં અધિકારીઓને જાણ કરતા તેઓ ઇસ્લામપુર ગામે જઇ પાંચ ફૂટ લંબાઈ અને ૫૦ કિલોગ્રામ વજન ધરાવતાં મગરને મહામહેનતે પકડી જંબુસર જંગલ ખાતાની ઓફિસે લાવી અને યોગ્ય સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.