Published By : Disha PJB
ભારતીય કેલેન્ડર મુજબ પ્રત્યેક 3 વર્ષ બાદ વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિના આવે છે. આ વધારાના મહિનાને અધિક માસ કહેવાય છે.
આવું થવા પાછળનું કારણ સૂર્ય અને ચંદ્ર વર્ષ છે. આ બંનેની ગણતરીમાં આવતો તફાવત 3 વર્ષે અધિકમાસ સ્વરુપે કેલેન્ડરમાં એડ કરવામાં આવે છે. પાશ્ચાત્ય કેલેન્ડરમાં આવતું લિપ યર પણ આ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરનું પરીણામ છે. જોકે તેમાં દર ચોથા વર્ષે ફેબ્રુઆરી માસનો એક દિવસ જ વધે છે જ્યારે અહીં સંપૂર્ણ મહિનો.
3 વર્ષે એકવાર આવતો અધિક માસ આ વર્ષે આવી રહ્યો છે. જેનો સમયગાળો 18 જુલાઈ , 2023 મંગળવારથી 16 ઓગસ્ટ 2023, બુધવાર સુધીનો છે.
હિન્દુ શાસ્ત્રોમાં અધિક માસને ખૂબ પવિત્ર ગણવામાં આવ્યો છે. માટે જ આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. અહીં પુરુષોત્તમ એટલે ભગવાન વિષ્ણુનો માસ એવો અર્થ છે. શાસ્ત્રો મુજબ અધિકમાસમાં વ્રત પારાયણ કરવું, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને તિર્થ સ્થાનમાં દર્શન કરવા ખૂબ પુણ્યપ્રદ છે. જોકે આ મહિના દરમિયાન યજ્ઞોપવિત, લગ્ન, રાજ્યભિષેક ઉપરાંત કોઈ કાર્યસિદ્ધી માટે કરવામાં આવતા કર્મકાંડ કે પૂજા કરવી વર્જ્ય છે.
અધિક માસની શરુઆત થતા જ પ્રથમ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરેથી પરવારી સૂર્ય નારાયણની પુષ્પ, ચંદન અને અક્ષત મિશ્રિત જળ ચઢાવી પૂજા કરવી જોઈએ. આ માસ દરમિયાન શક્ય બને તો રોજ ચોખ્ખા ઘીની મીઠાઈ ગરીબ વ્યક્તિને દાન આપવી જોઈએ. ગાયને નિણ નાખવું જોઈએ. તેમજ ઉપવાસ અથવા એકટાણાનું વ્રત કરવું જોઈએ.
આ માસમાં મૃત વ્યક્તિનું પ્રથમ શ્રાદ્ધ કરી શકાય છે. રોગમાંથી છૂટકારા માટે નિરંતર મહામૃત્યુંજ, રુદ્ર જાપ કરવા જોઈએ. ઉપરાંત તમને જેમના પર શ્રદ્ધા હોય તે દેવ-દેવીનું અનુષ્ઠાન કરી શકો છો. આ માસ દરમિયાન દુર્લભ યોગનો પ્રયોગ, સંતાન જન્મના પ્રયોગ, પિતૃ શ્રાદ્ધ, ગર્ભાધાન, સીમંત સંસ્કાર કરી શકાય છે.