Published by : Rana Kajal
- વૃદ્ધ થતાં જાપાની ઉદ્યોગપતિઓને વારસદારની જરૂર…., આવનાર ત્રણ વર્ષમાં 6 લાખ બિઝનેસ બંધ થઇ જશે..
સમગ્ર વિશ્વમાં જેની વિકાસ પામેલ દેશ તરીકે ખ્યાતિ છે. ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે જેનો વિશ્વમાં ડંકો વાગે છે તેવા જાપાનના મોટા ભાગના ઉદ્યોગોને તાળા વાગી જાય તેવી પરિસ્થિતિનુ સર્જન થયું છે. વારસદારોની અછતના પગલે આવી કારમી પરિસ્થિતીનુ સર્જન થયું છે.
વિશ્વમાં વિકસિત દેશ તરીકે ખ્યાતિ પામેલ એવા જાપાનના અર્થતંત્ર સામે વિશ્વમાં ક્યાંય ન હોય એવો પડકાર ખડો થયો છે. વૃદ્ધોની વસતીથી ભરપૂર જાપાનની પાસે અપાર સમૃદ્ધિ છે પરંતુ વારસો સંભાળનાર વારસદારની અછત છે. બિઝનેસમેનો વૃદ્ધ થઇ રહ્યા છે અને ઉત્તરાધિકારી વગર 6.30 લાખ બિઝનેસો 3 વર્ષમાં બંધ થવાનો ખતરો છે. આ દરેક બિઝનેસો અત્યારે નફામાં છે. તેનાથી જાપાનને 14 લાખ કરોડનું નુકસાન થશે અને 65 લાખ લોકો રોજગારી ગુમાવશે. ઍવી ભિતી સેવાઈ રહી છે જાપાનના આ બિઝનેસોના માલિકોની સરેરાશ ઉંમર 62 વર્ષ છે. હવે તેઓ રિટાયર થવા માંગે છે જેને કારણે તેઓ વારસદારની શોધમાં છે. તેમાંથી અનેકને સંતાન નથી તેમજ કેટલાક સંતાનોને પિતાના ધંધામાં રુચિ નથી. આ બિઝનેસમાં કર્મચારીઓની ઉંમર પણ 50થી ઉપર છે. માટે તેઓ પણ બિઝનેસ ટેકઓવર કરવા માટે સક્ષમ નથી. ઉંમરના આ પડાવ પર અનેક ઉદ્યોગપતિઓ પોતાના મજબૂત બિઝનેસને મફતમાં સોંપવા માંગે છે, પરંતુ કોઇ મળતું નથી. દેશના અંદાજે 60% બિઝનેસનું ભાવિ અંધકારમય છે.
તેથી હવે જાપાનમાં તેના માટે કંપનીઓ ખૂલી છે. આ કંપનીઓ કારોબારીઓને એવા વારસદાર ઉપલબ્ધ કરાવી રહી છે, જે તેઓનો બિઝનેસ સંભાળી શકે. જાપાનની સરકાર પણ આવા લોકોને સમજાવી રહી છે કે રિટાયર થવાને બદલે બિઝનેસ ચાલુ રાખે. સરકારે પણ બિઝનેસને ટેકઓવર કરનારને શોધવા માટે દેશભરમાં સર્વિસ સેન્ટર સ્થાપિત કર્યા છે. નવા માલિકોને સબસિડીની સાથે ટેક્સમાં છૂટ અપાઇ રહી છે. જાપાન સરકાર પણ સમસ્યા હળવી કરવા તમામ પ્રયાસો કરી રહી છે.