Published by : Vanshika Gor
અભિનેત્રી જાહ્નવી કપૂરે તેની પહેલી તેલુગુ ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં તેનો હીરો આરઆરઆર ફિલ્મથી જાણીતો જુનિયર એનટીઆર હશે. ફિલ્મને એનટીઆર૩૦ એવું નામ અપાયું છે.આ ફિલ્મ મૂળ તેલુગુમાં બનશે પરંતુ તે હિન્દી સહિતની ભાષાઓમાં ભારતભરમાં આવતા વર્ષે એપ્રિલમાં રજૂ થશે. જાહ્નવીની માતા શ્રીદેવી મૂળ તમિલ ફિલ્મોમાંથી હિન્દી ફિલ્મોમાં આવી હતી. બીજી તરફ જાહ્નવીના પિતા બોની કપૂર વર્ષોથી હિન્દીની સાથે સાથે સાઉથમાં પણ ફિલ્મો પ્રોડયુસ કરે છે. હવે પેરેન્ટ્સનાં પગલે તે પણ સાઉથમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. જાહ્નવી જુનિયર એનટીઆર સાથે કામ કરવાની હોવાનું ઘણા સમયથી ચર્ચાતું હતું જોકે હવે આ અંગે સત્તાવાર જાહેરાત થઈ છે.
સાઉથની ફિલ્મોની વધતી બોલબાલા વચ્ચે હિન્દીના અનેક કલાકારો સાઉથની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગણ, સંજય દત્ત અને રવીના ટંડન સહિતના સંખ્યાબંધ કલાકારો સાઉથની ફિલ્મો તરફ વળ્યા છે તેમાં હવે જાહ્નવી કપૂરનો પણ ઉમેરો થયો છે.