Published By : Parul Patel
વડોદરા શહેરમાં વાહન પાર્કિંગની જુની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પર રાત્રિના સમયે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. જેમાં સચિન ઠક્કરનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં આજે મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
વડોદરા શહેરના દિવાળીપુરા સુક્રુતીનગરમાં રહેતા રીમાબેન સચિનભાઇ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે 25 જુલાઈના રોજ ગત રાત્રે 11.45 વાગ્યા સુધી મારા પતિ સચિન ઘરે આવ્યા નહોતા. જેથી મેં તેમને ફોન કર્યો હતો. ત્યારે તેમનો ફોન પોલીસકર્મીએ ઉપાડ્યો હતો અને મને જણાવ્યું હતું કે, તમે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આવો. સચિન અને પ્રિતેશને કોઈએ માર માર્યો છે, જેથી તેમને માથાના ભાગે ઈજા થઈ છે અને હાલમાં ભાનમાં નથી, જેથી હું, મારા સસરા અને મારો દીકરો ગોત્રી જનરલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને સચિનના મામાના દીકરા પ્રિતેશનો પરિવાર પણ ત્યાં આવ્યો હતો. મારા પતિને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને લોહી નીકળતુ હતું અને પ્રિતેશને પણ માથામાં ઈજા થઇ હતી અને તેને પણ લોહી નીકળતું હતું. મારા પતિ ભાનમાં નહોતા અને પ્રિતેશભાઈ પણ અર્ધ બેભાન અવસ્થામાં હતા. તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું અને સચિન રાત્રીના 10.30 વાગ્યાની આસપાસ ચકલી સર્કલ પાસે મીર્ચ મસાલા રેસ્ટોરાંની ગલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં હાજર હતા, ત્યારે અગાઉ પાર્કિગ કરવાની બાબતે ઝઘડાની અદાવત રાખી કારમાં બે-ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા હતા.
આરોપીઓ પૈકી પાર્થ બાબુલ પરીખ હોવાનું મને વાતચીતમાં જાણવા મળ્યું હતું. તેઓએ લાકડીથી સચિન તથા પ્રિતેશને માથામાં ફટકા માર્યા હતા અને બન્નેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે ચીકુવાડી સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. સારવાર દરમિયાન આજે સચિન ઠક્કરનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. ભાજપના કાર્યકર સચિન ઠક્કરનું મોત થતાં ગોત્રી પોલીસ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પાર્થ બાબુલ પરીખ રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરીભક્તિ કોલોની રેસકોર્ષ, વડોદરા, વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી, રહે. નાગરવાડા સૈયદપુરા વડોદરા અને વિકાસ લોહાણા, ઉ.30, રહે. વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ત્રણે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ વડોદરાની સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના વિડીયો વાયરલ થયો હતો.