- રાજ્યની 32 જેલમાં ક્ષમતા કરતા 118 % વધુ સજા ભોગવતા 16539 કેદીઓ
- 828 કેદી અશિક્ષિત, 10 થી ઓછું ભણેલા 2804, ધો.12 પાસ 932, ડિગ્રી – ડિપ્લોમાના 18 કેદીઓ જેલમાં કેદ
- દોષિત 27.90 % અને અંડર ટ્રાયલ 69.90 ટકા ગુનેગારો
રાજ્યમાં રોજબરોજ ગુનાખોરીના પ્રમાણમાં ખૂબ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની જેલોમાં પણ કેદીઓ સમાતા નથી. ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 118 ટકા કેદીઓ વધુ છે.જેલમાં 27.90 ટકા કેદીઓ દોષિત છે. જયારે 69.90 ટકા કેદીઓ અંડરટ્રાયલ છે. આ કેદીઓમાં 4439 પુરુષ, 138 મહિલા અને 4 ટ્રાન્સજેન્ડર કેદી છે. આ ઉપરાંત વિદેશી કેદીઓની વાત કરીએ તો 4 પાકિસ્તાની અને અન્ય દેશના 3 કેદીઓ સજા ભોગવે છે.
થોડા સમય પહેલાં જ જાહેર કરવામાં આવેલા પ્રિઝન સ્ટેટેસ્ટિક્સ ઓફ ઇન્ડિયામાં જેલ અને કેદીઓની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં 4 સેન્ટ્રલ જેલ,11 ડિસ્ટ્રિક્ટ જેલ, 2 મહિલા જેલ, 4 ઓપન જેલ સહિત કુલ 32 જેલ આવેલી છે. આ જેલમાં કુલ 13,999 કેદીઓ સમાવી શકાય છે. જયારે અંડરટ્રાયલ અને પાકા કામના કેદીઓની જ કુલ સંખ્યા 16539 છે. આમ, ગુજરાતની જેલમાં કુલ ક્ષમતા કરતાં 118 ટકા વધુ કેદીઓ છે.આ કેદીઓના શિક્ષણ વિશે વાત કરીએ તો, ગુજરાતની જેલોમાં 828 કેદીઓ અશિક્ષિત છે. તો 10 થી ઓછું ભણેલા 2804, 12મું ધોરણ પાસ કર્યુ હોય તેવા 932 કેદીઓ છે. ગ્રેજયુએશન કરેલા 181 કેદી, ડિગ્રી-ડિપ્લોમા કર્યુ હોય તેવા 18 કેદી અને પોસ્ટ ગ્રેજયુએટ થયેલા 63 કેદીઓ સજા ભોગવી રહ્યા છે.
ગુજરાતની જેલોમાં 12483 પુરુષ સામે 16017 પુરુષ આરોપીઓ સજા ભોગવી રહ્યા છે. તો 1156 મહિલા કેદીઓની જગ્યામાં 563 કેદીઓ મહિલાઓ સજા ભોગવે છે. આ ઉપરાંત અન્ય 7 લોકો પણ સજા ભોગવી રહ્યા છે. આમ, 13999 કેદી સામે કુલ 16597 કેદીઓ સજા ભોગવે છે. આ ઉપરાંત પુરૂષોમાં દોષિત 4439 અને 11214 પુરૂષ કેદીઓ અંડરટ્રાયલ છે. મહિલાઓમાં 183 મહિલા દોષિત અને 382 મહિલા અંડરટ્રાયલ છે. અન્ય 4 કેદીઓ દોષિત અને 3 અંડરટ્રાયલ છે. આમ કુલ દોષિતોની સંખ્યા 4626 છે અને 11599 કેદીઓ અંડરટ્રાયલ્સમાં છે. જેમાં 4 પાકિસ્તાની અને 3 અન્ય દેશના કેદીઓ પણ રહેલા છે.