- જે બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતું હોચ તે સરકારની નીતિનું પાલન કરેઃ હાઈકોર્ટ
- સરકારની કાર્યવાહી કરવામાં લાચારી લાગતી હશે તો કોર્ટ હૂકમ કરશે
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના અભ્યાસક્રમને લઈને અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે લાલ આંખ કરીને કહ્યું હતું કે, જે બોર્ડ ગુજરાતી ભાષા ભણાવવાનો ઈનકાર કરશે તેની સામે પગલાં લેવામાં આવશે. હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાનો નિર્ણય સરકારનો જ છે. તેનો અમલ કરવામાં સરકાર લાચારી બતાવશે તો કોર્ટ હૂકમ કરશે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. આ અરજી પર હવે 22 ડિસેમ્બરના રોજ આગામી થશે.
સ્કૂલોએ ગુજરાતી અંગેનું સોગંદનામું આપવું પડશે
હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જે બોર્ડ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાને સામેલ ના કરતાં હોય તેની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. જો સરકારને કાર્યવાહી કરતાં લાચારી થતી હોય તો કોર્ટ હૂકમ કરશે. કોર્ટે કહ્યું હતું કે, માતૃભાષાનું ભણતર એ બાળકનો હક છે. હાઈકોર્ટની ટકોર બાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્યની તમામ સ્કૂલોએ ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. આ મામલે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને ટુંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે.
14 એવી શાળાઓ ગુજરાતી ભાષા ભણાવતી નથી
હાઈકોર્ટમાં અરજદારે એવી રજૂઆત કરી હતી કે, 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ છે. અરજદારે સરકારના તારીખ 13.4.2018 ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશઃ અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહિ થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે.