Published by : Rana Kajal
- 561થી વધુ મકાનોમાં તિરાડો પડી.
ઉત્તરાખંડનાં જોષીમઠમાં પરિસ્થિતી વધુ બગડી રહી છે. કડકડતી ઠંડીના વાતાવરણમાં પણ મહિલાઓ અને બાળકો ઘરની બહાર રહેવા મજબૂર થઈ ગયા છે. ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. 561 ઘરોમાં તિરાડો પડી છે. જેના કારણે લોકો ભયભીતમાં છે. 50,000ની વસ્તી ધરાવતા શહેરમાં દિવસ તો પસાર થઈ જાય છે, પરંતુ રાત વીતાવવા મુશ્કેલ બની ગઈ છે. ભૂગર્ભ જળ સતત લીકેજ થઈ રહ્યુ છે. પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબુર થયા છે. તેમને ડર છે કે ગમે ત્યારે મકાન તૂટી પડી શકે છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી આજે શનિવારે જોશીમઠની મુલાકાત લેશે અને અહીંની સ્થિતિનો તાગ મેળવશે. સૌથી વધુ અસર રવિગ્રામ, ગાંધીનગર અને જોશીમઠના સુનિલ વોર્ડમાં છે. આ શહેર 4,677 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. નવાઈની વાત એ છે કે છેલ્લા 13 વર્ષથી આવું જ થઈ રહ્યું છે.
આ પહેલા સીએમ ધામીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં જોખમી વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવાનો અને અસરગ્રસ્ત પરિવારો માટે સલામત સ્થળે એક વિશાળ પુનર્વસન કેન્દ્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જોખમી મકાનોમાં રહેતા 600 પરિવારોને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. જે લોકોના ઘર વસવાટ લાયક નથી અથવા ક્ષતિગ્રસ્ત છે તે પરિવારોને ભાડાના મકાનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેના માટે તેમને દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે. આ રકમ 6 મહિના માટે સીએમ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે.
જોશીમઠના 561 ઘરોમાં તિરાડો પડી છે. જ્યારે સિંગધાર વોર્ડમાં શુક્રવારે સાંજે એક મંદિર ધરાશાયી થયું હતું. શુક્રવારે મોડી રાત સુધી 50 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે NTPC તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને હેલાંગ બાયપાસનું કામ આગામી આદેશ સુધી અટકાવી દીધું છે. વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સહિત નિષ્ણાતોની એક ટીમે જોશીમઠમાં અસરગ્રસ્ત વિસ્તારોનું ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે.