Published by : Anu Shukla
- આંગણવાડીના હેલ્પરના ઘરમાં હંગામી આંગણવાડી ચલાવાઇ રહી છે.
કામ મંજૂર થયાને બે વર્ષ ઉપરાંતનો સમય થયો છે અને સાંસદના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હોવા છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી.
ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે નાયબ કલેકટર કચેરી ઝઘડિયા દ્વારા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો મંજૂરી હેઠળ રૂ. ૫ લાખની ગ્રાન્ટ આંગણવાડી કેન્દ્રનું નવું બાંધકામ કરવા માટે ફાળવવામાં આવી હતી. આ કામ તંત્ર દ્વારા અંદાજપત્રના ભાવોભાવથી મંજૂર થયેલ રકમની મર્યાદામાં વહીવટી મંજૂરીની શરતો અને વધારાની શરતોને આધીન ગ્રામ પંચાયતને એજન્સી બેઝ ઉપર વર્ક ઓર્ડર આપવા હુકમ કર્યો હતો. આ કામગીરીના બાંધકામનું ખાતમુર્હુત ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ કરવાની અવધી તા. ૩૧.૩.૨૧ સુધીની હતી પરંતુ આ અવધી પૂર્ણ થયાને પણ બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે છતાં તેની કામગીરી જવાબદાર એજન્સી દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. હાલમાં કામગીરી થઈ જ ન હોવાના કારણે આંગણવાડી કેન્દ્રમાં આવતા નાના ભૂલકાઓને આંગણવાડીમાં કામ કરતા હેલ્પરના ઘરમાં બેસાડવામાં આવી રહયા છે. આ રીતે આંગણવાડી ચલાવવાના કારણે નાના બાળકોનું સુરક્ષાનું કોઈ ધ્યાન રાખી શકવામાં આવતુ હોય તેમ જણાતું નથી ! ત્યારે વહીવટીતંત્રની આવી લાપરવાહીનો ભોગ ભારતનું ભવિષ્ય એવા નાના ભૂલકાઓ બની રહ્યા છે, આ બાબતે ઝઘડિયા તાલુકા સીડીપીઓ કચેરીના જવાબદાર અધિકારી સાથે ટેલીફોનિક વાત કરતા તેમણે ટેલીફોન પર માહિતી આપવાનો ધરાર ઇન્કાર કર્યો હતો અને રૂબરૂ આવી માહિતી લઈ જવા માટે આગ્રહ કર્યો હતો.