Published by : Vanshika Gor
વિશ્વની પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિને ‘વર્લ્ડ ગ્રેટેસ્ટ પ્લેસિસ’ એટલે કે 2023માં દુનિયાના ફરવા લાયક સૌથી શ્રેષ્ઠ સ્થળોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના બે સ્થળોએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં કુલ 50 સ્થળોને સામેલ કરાયા છે જેમાં ભારતના ઓડિશાના મયૂરભંજ અને લદ્દાખનો સમાવેશ થાય છે.
આ છે વિશેષતાઓ જેને લઈને થઈ પસંદગી
આ સ્થળોની તેમના કુદરતી દૃશ્યો, દુર્લભ વાઘ, પ્રાચીન મંદિરો, રોમાંચક જગ્યાઓ અને તેમના ભોજનને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હતી. ટાઈમ મેગેઝિને તેના માટે એક પ્રોફાઈલ પેજ પણ તૈયાર કર્યો છે જેમાં લદાખ અને મયૂરભંજની મુલાકાત કેમ લેવી જોઇએ અને અહીંની વિશેષતાઓ શું શું છે તે બધું જ દર્શાવવામાં આવ્યું છે અને તેને આ યાદીમાં કેમ સ્થાન આપવામાં આવ્યું તે પણ બતાવાયું છે.
મયૂર ભંજની શું છે વિશેષતા?
મયૂરભંજ વિશે વાત કરતાં ટાઈમ મેગેઝિને જણાવ્યું કે આ અત્યધિક દુલર્ભ બ્લેક ટાઈગર જોવા માટે દુનિયાનું એકમાત્ર સ્થળ છે. અહીંના પ્રસિદ્ધ સિમિલિપાલ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બ્લેક ટાઇગર ઉપરાંત અનેક જીવ ઉપલબ્ધ છે. અહીંનો ભવ્ય સાંસ્કૃતિક વારસો, હરિયાળા પ્રદેશો અને પ્રાચીન મંદિરો પણ તેની ઓળખનો પુરાવો છે. એપ્રિલમાં અહીં મયૂરભંજ છઉ નૃત્ય ઉત્સવનો આયોજન થશે.
લદાખની વિશેષતાથી તો મને વાકેફ જ હશો
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખ કાશ્મીરના ક્ષેત્રનો હિસ્સો છે. અહીં બરફથી ઢંકાયેલા પર્વતો, વાદળી રંગનું પાણી અને રંગબેરંગી પર્વતો અહીં આવતા પર્યકોને આકર્ષિત કરે છે. બૌદ્ધ ધર્મના પૌરાણિક મંદિરો, પોયાંગ લેક સહિત અહીં અનેક સુંદર જગ્યાઓ આવેલી છે. આ આધ્યાત્મિક અને પર્યટન સ્થળ પર કોઈપણ વ્યક્તિ પહોંચ્યા બાદ તે અહીં જ વસી જવા માગે છે.