ગત તારીખ-૩જી ઓગસ્ટના રોજ અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ બુધવારે રાતે 11.30 વાગ્યાના અરસામાં ઘરે જયુપીટર ઉપર પરત આવી રહ્યા હતા.દરમિયાન અલનુર કોમ્પ્લેક્ષ નજીક ટ્રાવેલર્સના ઘર પાસે જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. આસપાસના લોકો ફાયરિંગના અવાજથી દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા.માથામાં કાનના ભાગે ગોળી વાગતા ટ્રાવેલર્સ ત્યાં જ ઢળી પડ્યા હતા. જેમને સ્થાનિકો નજીકમાં જ આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાલ તેઓ બેભાન અવસ્થામાં છે.
જીલ્લા પોલીસ વડાની સ્થળ મુલાકાત
ઘટના અંગે અંકલેશ્વર પોલીસે દોડી આવી એફ.એસ.એલ., ડોગ સ્કવોર્ડ અને બેલેસ્ટિક વિભાગની મદદથી વધુ તપાસ પી.આઈ. આર.એચ.વાળા ચલાવી રહ્યા છે.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ટ્રાવેલર્સની પત્ની અફસાનાબેને પાલિકાની ચૂંટણીની અદાવત અને અન્ય રીયલ એસ્ટેટના વ્યાવસાયિકો સાથે ચાલતી માથાકુટમાં 3 જેટલા શકદારોએ જીવલેણ હુમલો કર્યો હોવાની પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આજરોજ જીલ્લા પોલીસ વડાએ સ્થળ મુલાકાત લીધી હતી અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.