Published By : Patel Shital
રેલ્વે દેશ માટે લાઈફ લાઈન જેવું કામ કરે છે. દેશના રોજ લાખો-કરોડો લોકો ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરે છે. દુનિયાનું સૌથી મોટું ચોથા ક્રમનું રેલ નેટવર્ક ભારતમાં છે. જે આશરે 68,600 રૂટ કિલોમીટર સુધી ફેલાયેલું છે. વિશ્વમાં સૌથી પહેલા અમેરિકા આવે છે જેનું રેલ નેટવર્ક 2 લાખ 50 હજાર કિલોમીટરનું છે. ત્યાર પછી ચીન, રુસ અને ત્યાર બાદ ભારતનો ક્રમ આવે છે.
ભારતીય રેલ્વેનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને તેની સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે. ટ્રેન અંગે કેટલીક બાબતો રસપ્રદ છે જેમ કે રાત્રે ટ્રેન દિવસની સરખામણીમાં વધારે ઝડપથી દોડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે રાતના સમયે ટ્રેક ઉપર કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કામ થતું નથી. સાથે જ વ્યક્તિ કે પ્રાણીની અવરજવર પણ ઓછી હોય છે. તેથી જ સામાન્ય રીતે ટ્રેન રાતના સમયે વધારે સ્પીડથી ચાલે છે. રાતના અંધારામાં ટ્રેનને અન્ય એક ફાયદો એ પણ થાય છે કે પાયલોટને દૂરથી જ સિગ્નલ દેખાઈ જાય છે. તેથી તે આરામથી જાણી જાય છે કે ટ્રેનને બ્રેક મારવી છે કે નહીં. સિગ્નલને જોવા માટે તેને ટ્રેનની સ્પીડ ઘટાડવી પડતી નથી તેથી એવું લાગે છે કે રાત્રે ટ્રેન વધારે ઝડપથી ચાલે છે.