- ઉત્તર પ્રદેશના મુસ્લિમ મહાસભાનો ચર્ચાસ્પદ ફતવો
- જે પરિવારમાં લગ્ન થઈ રહ્યા હોય એ ડીજે કલ્ચરને ઉત્તેજન આપવાનું બંધ કરે : મુસ્લિમ મહાસભા
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મુસ્લિમ મહાસભાએ એક ચર્ચાસ્પદ ફતવો બહાર પાડયો છે. મૌલવીઓને આદેશ આપતા આ સંગઠને કહ્યું હતું કે જ્યાં ડીજે અને બેન્ડની વ્યવસ્થા થઈ હોય એ લગ્નને માન્યતા ન આપો.
ગાઝિયાબાદ સ્થિત મુસ્લિમ મહાસભાએ એક લેખિત નિવેદનમાં ઈસ્લામિક પરંપરા પ્રમાણે લગ્ન કરાવતા કાઝીઓને સંબોધીને આદેશ આપ્યો છે કે જે પરિવારોમાં લગ્ન વખતે ડીજે અને બેન્ડબાજાની વ્યવસ્થા થઈ હોય ત્યાં લગ્ન ન કરાવે. નિકાહમાં ડીજે કલ્ચરને દૂર રાખવાની હિમાયત કરીને મુસ્લિમ મહાસભાએ કહ્યું હતું કે ઈસ્લાંમની પરંપરામાં આવા કલ્ચરની મનાઈ છે.
મુસ્લિમ પરિવારોને અપીલ કરતા મુસ્લિમ મહાસભાએ કહ્યું હતું કે ડીજે કલ્ચરને ઉત્તેજન આપવાનું બંધ કરો અને પરંપરાગત ઈસ્લામિક પદ્ધતિથી નિકાહ કરાવો. ઓછા ખર્ચમાં નિકાહ કરવાનો આદેશ આપવાની સાથે સાથે નિકાહમાં થતાં ખોટો ખર્ચ ટાળવાનું પણ કહેવાયું હતું. થોડા દિવસ પહેલાં ઝારખંડમાં પણ રાજ્યના મૌલાનાઓએ નિકાહમાં લાઉડ સ્પીકર અને ડીજેનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો હતો. લગ્ન ફંક્શનમાં ડાન્સ ન કરવાનો આદેશ પણ એમાં થયો હતો. જે પરિવારો નિયમનો ભંગ કરશે તેને દંડ ફટાકારાશે એવી પણ જાહેરાત થઈ હતી.