ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. વડોદરા શહેરના સમા વિસ્તારના રહેવાસી વિવેક કરણે મરતા અગાઉ પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે. ગઇકાલ સુધી પોલીસ દારૂ કે કેફી પદાર્થને કારણે મોત થયું હોવાનું જણાવતી હતી. જો કે વિવેકના અંતિમ વિડીયોને પગલે તેણે ડ્રગ્સના ઓવરડોઝ લીધો હોવાનું જણાઈ આવે છે. મૃતકના મિત્ર વર્તુળમાંથી પ્રાપ્ત માહિતી મુજબ બલજીત રાવત અને નેહા શહેરમાં રીતસરનું ડ્રગ નેટવર્ક ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
ડિલરે સ્વબચાવ માટે વીડિયો બનાવ્યો
બલજીત રાવત પોતાના ડિફેન્સ કોલોનીના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ હતાં. તેઓ ડિલિવરીનું કામ પણ કરતાં હતાં અને ત્રણેય સમા અને ક્રાઈમ બ્રાન્ચના ચોપડે ચઢી ચૂકેલા છે. આ વીડિયો ઉતારવાનો ઈરાદો મહેફીલમાં બેઠેલા લોકોના સ્વ બચાવનો હોય તેવી શંકા ઊભી થઈ છે.
વિવેકની હત્યાનો આક્ષેપ
વિવેકને ચિત્તા કહેવાતું ડ્રગ પીવડાવ્યું હોવાનું માનવામાં આવે છે, જેના ઓવરડોઝથી મોત થયું હોવાની દિશામાં પોલીસે તપાસ કરી છે. વિવેકની માતા અનુસાર તેની હત્યા કરાઇ છે. જો કે વિવેકના પિતાએ ફરિયાદ નોંધાવાની ના પાડતાં પોલીસની હાલત કફોડી બન્યાંનું સુત્રોએ કહ્યું હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/1_1660107794.jpg)
તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ,આજે 3ની તપાસ
બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. સમા પોલીસે નેહા, પરીન ભંડારી અને બલજીત રાવતની પુછપરછ કરી ડ્રગ્સ તથા દારૂ છે કે નહીં તેના બ્લડ સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલી તેમને જવા દીધા હતાં. બલજીત રીઢો ગુ્નેગાર છે, તે પાછો આવશે? તે અંગે તેમણે જણાવ્યું હતું કે શોધી નાંખીશું.