સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની ટીમે સપાટો બોલાવી દીધો છે.તમને જણાવી દયે કે 131 કરોડ કરતા વધુની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLએ છેલ્લા 8 મહિનામાં અધધ 131 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. જેમાંથી 27 કરોડની વીજચોરી માત્ર રાજકોટ જિલ્લામાંથી ઝડપાઈ છે. એટલું જ નહીં કોર્પોરેટ ડ્રાઇવ માટે ડ્રોન કેમેરા અને એસ .આર. પી.ની ત્રણ ટુકડીઓ પણ PGVCLને ફાળવવામાં આવી હતી. આ સાથે જ ડ્રોન દ્વારા સંવેદનશીલ ગણાતા એરિયામાં ખાસ વીજચોરી પકડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રોન કેમેરા રેકોર્ડિંગ હેઠળ પુરાવા તરીકે વીજ ચોરી માટે કેસ મજબૂત કરવામાં આવશે. આ સાથે જ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ગામડાઓમાં તો ખાસ જોવા મળ્યું હતંા કે વીજતાર સાથે આંકડા નાખીને વીજચોરી કરવામાં આવતી હતી.
જાણો ક્યાંથી કેટલી વિજ ચોરી ઝડપાઈ સૌરાષ્ટ્રભરમાં PGVCL દ્વારા 49 હજાર જેટલા વીજ કનેકશનોમાં 131 કરોડ જેટલી રકમની વીજચોરી ઝડપવામાં આવી છે. જેમાંરાજકોટમાં 12 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15 કરોડ, અંજારમાં 9.5 કરોડ, જૂનાગઢમાં 8.75 કરોડ, અમરેલીમાં 12 કરોડ, બોટાદમાં 6 કરોડ, ભાવનગરમાં 18 કરોડ, મોરબીમાં 9.25 કરોડ, પોરબંદરમાં 9.5 કરોડ, જામનગરમાં 15.5 કરોડ, ભુજમાં 5.25 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9 કરોડની વીજચોરી ઝડપાઈ છે.
ડ્રોન દ્વારા કેવી રીતે પકડી કરોડોની વીજચોરી
પીજીવીસીએલની ટીમ દ્વારા સંપૂર્ણપણે સર્વે કર્યા બાદ એક ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ ગામમાં ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. અહીં સંવેદનશીલ સ્થળોએ ડ્રોન કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવ્યું. આ રેકોર્ડિંગમાં જોવા મળ્યું કે આંકડા નાખી વીજચોરી કરવામાં આવી રહી હતી. આ ડ્રોન કેમેરા રેકોર્ડિંગ કોર્ટ કાર્યવાહી દરમિયાન પુરાવા તરીકે પણ રજૂ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.