નાની ઉંમરની વ્યક્તિઓમાં હૃદયરોગનું જોખમ વધવા લાગ્યું છે. આ સ્થિતિ પાછળ મુખ્યતવે લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ જવાબદાર છે. ઈમોશનલ સ્ટ્રેસ જયારે વધે છે ત્યારે હાઇપર ટેન્શન થવાનું જોખમ વધી જાય છે અને તેના લીધે હૃદય ઉપર દબાણ પેદા થાય છે. તેના કારણે ‘ભાગો કે મારો’ની સ્થિતિ પેદા થતી હોય છે. જયારે સ્ટ્રેસ હોર્મોન આપણને કોઈ પરિસ્થિતિ સામે લડવામાં મદદ કરે છે, પરંતુ તેનું પ્રમાણ લાંબા સમય માટે વધવા લાગે તો મગજમાં આવેલા એમીગ્ડાલા દ્વારા હાઇપોથેલેમસની કાર્યક્ષમતા ઉપર અસર પડે છે જેના લીધે શરીરની ઓટોનોમિક સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આ પરિસ્થિતિના લીધે હૃદયનું પમ્પિંગ બગડે છે.
મહિલાઓ પોતાના મલ્ટિટાસ્કિંગ માટે વધારે આગ્રહ રાખે છે. તેમના મનમાં કુદરતી રીતે ઘણાબધાં કામ એકસાથે કરવા તેવું ફિટ થયેલું છે. જયારે શરીર અને મનને આરામની જરૂર હોવા છતાં અમુક કામ ફિક્સ રીતે કરવાનો આગ્રહ તેમના માઈન્ડની સાથે સાથે શરીર ઉપર પણ આડઅસર થાય એવી પરિસ્થિતિનું સર્જન થાય છે અને આના લીધે નાની ઉંમરે હૃદય નબળું પડવાની શક્યતા વધી જાય છે.
લાઈફસ્ટાઇલ મોડિફિકેશનની સૌથી વધારે જરૂર આ યુગમાં છે. નિયમિત રીતે વ્યાયામને ટાઈમટેબલમાં જગ્યા આપી દેવી જોઈએ. દરેક વ્યક્તિની સ્ટ્રેસ સહન કરવાની ક્ષમતા અલગ અલગ છે તેથી દોડધામવાળી જિંદગીમાં બીજા સાથે સરખામણી કરવા કરતા પહેલાં પોતાની હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી છે. થોડી સ્પીડ ઓછી કરીને સમય સાથે કદમ મેળવતા રહો તો અટકવાની જરૂર ન પડે.