Published By : Patel Shital
- 5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું…
- માતા સાથે ઝપાઝપી અને છેડતી…
- બાજુમાં જ રહેતી બાળકને ઘરે લઈ જઈ હવનકુંડની બાજુમાં બેસાડી…
- માતાને ખબર પડતાં બુમરાણ મચાવતા સોસાયટી ભેગી…
- પાછળના દરવાજેથી માતા બાળકીને લેવા ગઈ તો છેડતી કરી…
ભરૂચના તવરા ગામે એક સોસાયટીમાં પરપ્રાંતીય તાંત્રિકે બાજુમાં રહેતી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી ઘરમાં હવનકુંડ નજીક બેસાડી દીધી હતી. માતા બાળકીને લેવા જતા તેની સાથે ઝપાઝપી કરી છેડતી કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

તવરાની એક સોસાયટીમાં પાડોશમાં એક મહિલા સાથે રહેતો પરપ્રાંતીય તાંત્રિક શિવદયાલ શ્રીવાસ્તવ શુક્રવારે 5 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. પોતાના ઘરે બાળકીને લઈ ગયા બાદ માતાએ શોધખોળ આરંભી હતી.
તાંત્રિકના ઘરેથી દીકરીનો અવાજ આવતા માતાએ આગળનો દરવાજો ખખડાવવા છતાં તાંત્રિકે ખોલ્યો ન હતો. ભારે બુમરાણ મચાવતા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા.
પાછળના દરવાજે માતા ઘરમાં ઘૂસતા બાળકી હવનકુંડ નજીક ગભરાયેલી અવસ્થામાં રડી રહી હતી. માતા દીકરીને લેવા જતા તાંત્રિકે ઝપાઝપી અને છેડતી કરી હતી.
જે અંગે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાંત્રિક અને તેની સાથે રહેતી મહિલા સામે ગુનો નોંધ્યો છે. તાંત્રિક સામે અગાઉ પણ છેડતીનો ગુનો નોંધાયો છે.

જો કે પોલીસની ધરપકડ અને સવાલોથી બચવા પોતાને મૂઢમાર વાગ્યો હોવાનું ગાનું ગાઇ તાંત્રિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી થઈ ગયો છે. પોલીસની પૂછપરછમાં જ તાંત્રિકે બાળકીનું કેમ અપહરણ કર્યું હતું અને કેવી વિધિ કરવાનો હતો તેનો ખુલાસો થઈ શકશે. જોકે તાંત્રિકના ઘર ને પણ લઈ આ વિવાદ છેડાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.