Published by : Anu Shukla
- પ્રવાસીઓને શાહજહાં અને મુમતાઝની કબરો પણ જોવા મળશે
- 17થી 19 ફેબ્રુઆરી સુધી ચાલશે વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ
વિશ્વના સાત અજાયબીઓમાંનું એક તાજ, જેને લોકો પ્રેમનું પ્રતીક પણ માને છે, તે વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મુઘલ બાદશાહ શાહજહાંના 368માં ઉર્સના અવસરે આગરાના તાજમહેલમાં 17 થી 19 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મફત રહેશે. આ અવસર પર પ્રવાસીઓને શાહજહાં અને મુમતાઝની કબરો પણ જોવા મળશે, જ્યાં સામાન્ય દિવસોમાં લોકોને જવાની મંજૂરી નથી.
દર વર્ષે થાય છે આયોજન
ઉર્સ કમેટીના અધ્યક્ષ ઈબ્રાહીમ જૈદીએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહજહાંનો ઉર્સ 17થી 19 ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવશે. આ ત્રણ દિવસે પ્રવાસીઓ માટે તાજમહેલમાં એન્ટ્રી ફ્રી રાખવામાં આવે છે. ઉર્સના મોકા પર વિવિધ રસ્મો કરવામાં આવે છે. આ રસ્મોને તાજમહેલની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ જોઈ શકશે.
કઈ કઈ રસ્મો થાય છે ઉર્સના અવસરે
ઈબ્રાહીમ જૈદીના જણાવ્યા મુજબ 17 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યે ગુસ્લ (વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ પહેલાં આખા શરીરનું શુદ્ધિકરણ)ની રસ્મ શરુ થશે. સંદલ અને મિલાદ શરીફની રસ્મો 18 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. તેના આગલા દિવસે સવારથી સાંજ સુધી ‘કુલ’ (કુરાનના ચાર મૂળભૂત પ્રકરણોનો પાઠ કરવો) અને ‘ચાદર પોશી’ (ચાદર અર્પણ) ની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.
આ વર્ષે ઉર્સના મોકા પર શાહજહાંના મકબરા પર 1450 મીટર લાંબી ચાદર ચઢાવવામાં આવશે. ચાદર પોશી ની વિધિ બાદ તાજમહાલના આંગણે લંગર પીરસવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન તાજમહેલની અંદર સિગારેટ, બીડી, માચીસ, ગુટખા, તમાકુ, પાન મસાલા, કોઈપણ પ્રકારનો ધ્વજ, બેનર, પોસ્ટર, બેન્ડ, સ્ક્રુડ્રાઈવર, લાઈટર, હથિયારો અને છરીઓ જેવી વસ્તુઓનો લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે.