Published by : Vanshika Gor
સૌરાષ્ટ્રમાં હથિયાર રાખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે હથિયારનો વેપલો બેફામ વધી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં કારગીરે પોતાનાજ ઘરમાં ગેરકાયદે હથિયાર બનાવવાની મિનિ ફેક્ટરી શરૂ કરી દીધી હતી. એસઓજીની ટીમ દ્વારા ઓપરેશન પાર પાડી 4 બંદૂક, જીવતા કાર્ટીસ અને હથિયારના મોટા જથ્થા સાથે કારીગરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. દરમિયાન તાલાલા પંથકમાં હથિયાર બનાવવાની મીની ફેકટરી ધમધમતી હોવાની માહિતીના આધારે ગઈકાલે રાત્રે એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજાએ પોલીસ કાફલા સાથે છાપો માર્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન તાલાલાના ગુંદરણ ગામે કાળીધાર સીમમાં આવેલા મકાનમાં તપાસ હાથ ધરતાં ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી મળી આવી હતી. પોલીસે કારીગર રામસીભાઈ રામાભાઈ કરંગીયા (ઉ.55)ની ધરપકડ કરી મીની ફેકટરીમાંથી દેશી હાથ બનાવટની 16 હજારની કિંમતની ચાર બંદૂક, રૂા.1100ની કિંમતના ચાર જીવતા કાર્ટીસ, 30 લોખંડની ગોળીઓ, 20 મોટા છરા, દારૂ ગોળો ભરેલ કોથળી, ગન પાઉડર, કટર મશીન, ગલાઈન્ડરમશીન, ડ્રીલીંગ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસનો બાટલો, છરાનું હાથ બનાવટનું મશીન સહિતના ઓજારો કબજે કર્યા હતાં.
પોલીસે કુલ 33,700નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે આમ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.ખેતી કામ કરતાં રામસીભાઈ આહીર છેલ્લા ઘણા સમયથી હથિયારો બનાવી ગીર સોમનાથ પંકથમાં વેચાણ કરતો હોય અત્યાર સુધીમાં કોને કોને કેટલા હથિયાર વેચ્યા તે મુદ્દે આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ એચ.આર.મારૂ, લખમણભાઈ, નરવણસિંહ, ગોવિંદભાઈ, ઈબ્રાહીમભાઈ સહિતના સ્ટાફે કરી હતી.
હથિયાર વેચાણનું મોટું રેકેટ ખૂલવાની શકયતા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાંથી દેશી બનાવટની બંદૂક અને ઘાતક હથિયારો બનાવવાની મીની ફેકટરી ઝડપાયા બાદ જિલ્લામાં હથિયાર વેચાણનું મોટુ રેકેટ બહાર આવે તેવા સંકેતો મળી રહ્યાં છે. આ અંગે પોલીસે હથિયાર બનાવતાં રામસીભાઈ કરંગીયાની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પુછપરછમાં મોટુ રેકેટ બહાર આવે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.