- મંદિરની કુલ સંપત્તિ રૂ. 2.26 લાખ કરોડ, 10.3 ટન સોનું અને રૂ. 16 હજાર કરોડ બેન્કોમાં જમા
તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલું છે.તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એ પ્રથમ વખત મંદિરની કુલ સંપત્તિ જાહેર કરી છે. એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં 5,300 કરોડ રૂપિયાનું 10.3 ટન સોનું અને 15,938 કરોડ રોકડ જમા છે. મંદિરની કુલ સંપત્તિ 2.26 લાખ કરોડ રૂપિયા છે.
કુલ 960 મિલકતો 7 હજાર 123 એકરમાં ફેલાયેલી છે
દાનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી ધનાઢ્ય મંદિર આંધ્રપ્રદેશનું તિરુમાલા તિરુપતિ મંદિર છે. મંદિરમાં વિવિધ સ્થળોએ 7 હજાર 123 એકરમાં ફેલાયેલી કુલ 960 મિલકતો છે. ચાંદીથી લઈને કિંમતી પથ્થરો, સિક્કા, કંપનીના શેર અને પ્રોપર્ટી જેવી વસ્તુઓ પણ અહીં દાનમાં આપવામાં આવે છે.
ભગવાન વિષ્ણુને વેંકટેશ્વર કહેવામાં આવે છે
આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તે મેરુપર્વતના સાત શિખરો પર બાંધવામાં આવ્યું છે, તેના સાત શિખરો શેષનાગના સાત હૂડનું પ્રતીક છે. આ શિખરોને શેષાદ્રિ, નીલાદ્રિ, ગરુડાદ્રિ, અંજનાદ્રિ, વૃષ્ટાદ્રિ, નારાયણદ્રિ અને વ્યંકટાદ્રિ કહેવામાં આવે છે. તેમાંથી ભગવાન વિષ્ણુ વ્યંકટાદ્રી નામના શિખર પર બિરાજમાન છે અને આ કારણે તેઓ વ્યંકટેશ્વર તરીકે ઓળખાય છે.
2019થી સોના અને રોકડમાં વૃદ્ધિ
ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર એ.વી. ધર્મા રેડ્ડીએ જણાવ્યું છે કે વર્તમાન ટ્રસ્ટ બોર્ડે 2019થી ઈન્વેસ્ટમેન્ટ ગાઈડલાઈન્સને મજબૂત બનાવી છે. 2019માં ઘણી બેન્કોમાં 13,025 કરોડ રોકડ હતી, જે વધીને 15,938 કરોડ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણમાં 2,900 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. બીજી તરફ, શેર કરેલ બેન્ક-વાઈસ ઇન્વેસ્ટમેન્ટમાં 2019માં TTD પાસે 7339.74 ટન સોનું જમા છે, તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં 2.9 ટનનો વધારો થયો છે.