અરબી સમુદ્રમાં ડીપ્રેશન સક્રિય થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ રાજ્યના બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
24 કલાકમાં રાજ્યમાં 217 તાલુકામાં મેઘો મંડાયો
રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં વિજયનગરમાં 5.59 ઈંચ, વિજાપુર 4.56 ઈંચ, તલોદ 4 ઈંચ, હિંમતનગર 4 ઈંચ, માણસા 4 ઈંચ, રાધનપુર 4 ઈંચ, ઈડર 4 ઈંચ, ભિલોડા 3 ઈંચ, પોશિના 2.5 ઈંચ, ઉમરપાડા 2.5 ઈંચ, મહેસાણા 2.5 ઈંચ, ખેરાલુ 2.5 ઈંચ, પ્રાંતિજ 2.5 ઈંચ, દાંતા 2.5 ઈંચ, જોટાણા 2.5 ઈંચ, કડી, બારડોલી અને પાલનપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત આજે સવારે આઠ વાગ્યા સુધીમાં 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસી, ઉમરપાડા અને હાંસોટમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

તાલુકો વરસાદ(ઇંચ)
વિજયનગર 5.59 ઈંચ
વિજાપુર 4.56 ઈંચ
તલોદ 4 ઈંચ
હિંમતનગર,માણસા,રાધનપુર, ઈડર : 4 ઈંચ
દરિયા કાંઠે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે 50 કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે. દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતાં.હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે. જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હર્ષદ, નાવદ્રા, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી કરી રહેલ માછીમારો બંદર પર પરત ફર્યા છે.
