Published by : Rana Kajal
- પિતા પુત્રને પટ્ટાથી માર માર્યા…દુકાન બંધ કરવા ગયેલ પિતાને પણ આંખમાં વાગતા આંખ ફૂટતા બચી
કોઈકના કોઈક મુદ્દે સરકાર સામે પડનાર અને દબંગ ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઈની દબંગાઈ હવે સામે આવી છે. કેતન ઇનામદારના ભાઈ તથા તેઓના અન્ય 3 મળતિયાઓએ મળી પિતા પુત્રને ઢોર માર માર્યો હતો. ટેપ જોરથી વગાડવા જેવા નજીવા મુદ્દે પિતા પુત્રને માર મરાતા કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદાર સહીત ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સાવલી ખાતે રહેતા અને સુથારી કામ તેમજ કંસ્ટ્રક્શનનું કામ કરતા અનિલભાઈ મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ધુળેટી પર્વની રાતે શ્રીજી કોમ્પલેક્ષમાં ટેપ વગાડવા મુદ્દે બોલાચાલી થતા ફરિયાદીના પુત્ર ચિન્ટુનો ફોન આવ્યો હતો કે ધારાસભ્ય કેતન ઇનામદારના નાના ભાઈ સંદીપ ઇનામદારે મારામારી કરી છે જેથી હું દુકાન ખુલ્લી મૂકીને નાસી ગયો છું જેથી અનિલભાઈ પોતાની દુકાન બંધ કરવા ગયા હતા ત્યારે સંદીપ ઈનામદાર સહિત ચાર ઈસમો ત્યાં જ ઉભા હતા તેમાંથી ચેતન વાળંદ નામના યુવકે કમરે પહેરેલા બેલ્ટ વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી અનિલ મિસ્ત્રીને આંખના ભાગે હતી અને તેઓની આંખ ફૂટતા ફૂટતા સહેજ રહી ગઈ હતી. જો કે તેઓને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ સંદર્ભે અનિલ મિસ્ત્રીએ પોતાના પુત્ર ને તેમજ પોતાને માર મારવા બાબતે ફરિયાદ નોંધાવતાં સાવલી પોલીસે સંદીપ મહેન્દ્રભાઈ ઇનામદાર રહે કેતન ફાર્મ, સાવલી, ચિંતન બારોટ, ચેતનભાઇ લક્ષ્મણભાઈ વાળંદ , હિરેનભાઈ લક્ષ્મણભાઈ વાળંદ તમામ રહે સાવલી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ ફરિયાદીના પુત્ર ચિંતન ઉર્ફે ચિન્ટુ અને અને નજીકમાં જ હર સલૂનની દુકાન ધરાવતા ચેતન વાળંદ વચ્ચે ટેપ ધીમેથી વગાડવા બાબતે ઝગડો થયો હતો અને ત્યાર બાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. દરમિયાનમાં કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદાર પણ ત્યાં આવી ગયા હતા અને તેઓએ ચિન્ટુને માર માર્યો હતો.