Published by : Vanshika Gor
- કંપનીમાં સોલ્વન્ટના ડિસ્ટીલેશન વેળાં ધડાકા સાથે ઘટેલી આગની ઘટના
- અંકલેશ્વરના કંપની માલિકો સામે બેદરકારીથી મોતની ફરિયાદ દહેજ PI એ નોંધાવી
- 6 કામદારોના મોતમાં કંપનીને ₹25 લાખનો દંડ અગાઉ કરાયો હતો
- વડાપ્રધાને PM કેર્સમાંથી ₹2-2 લાખ ફાળવ્યા હતા
દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં 10 મહિના પહેલા સોલ્વન્ટ ડીસ્ટીલેશનની પ્રક્રિયા વેળા ધડાકા સાથે ભભૂકી ઉઠેલી આગમાં 6 કામદારો ભડથું થઈ જવાની ઘટનામાં 4 કંપની સત્તાધીશો સામે પોલીસે ફરિયાદી બની બેદરકારીથી મોતનો ગુનો દાખલ કર્યો છે.દહેજમાં સેઝ-3 માં આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં 11 એપ્રિલ 2022 માં મિક્ષ સોલ્વન્ટને ડિસ્ટીલેશન કરવાની પ્રક્રિયા વેળાં કોઇ કારણસર અચાનક ભડકો થતાં પ્રોડક્શન પ્લાન્ટમાં ફરજ બજાવતાં 6 કામદારોના ભુંજાઇ જવાથી સ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝરની નોટીસ ફટકારાય હતી. ઉપરાંત કંપનીને ₹ 25 લાખનો દંડ પણ કરાયો હતો. બીજી તરફ અકસ્માતમાં મોતને ભેંટેલાં શ્રમજીવીઓના પરિવારોને કંપની સંચાલકોએ રહેમરાહે ₹ 3-3 લાખનું વળતર ચુકવવાની જાહેરાત કરી હતી. તો વડાપ્રધાને બે બે લાખની સહાય જાહેર કરી હતી.
ઘટનામાં દહેજ પોલીસે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. FSL નો રીપોર્ટ તેમજ તપાસના અંતે ઓમ ઓર્ગનિક્સના ચાર માલિકોની બેદરકારી છતી થઈ છે. જેઓએ SOP નું પાલન કર્યું ન હતું. તેમજ રીએક્ટરમાં પ્રેશર વધતા કામદારોને સાવચેત કરવા કોઈ એલાર્મ સિસ્ટમ પણ કંપનીમાં ન હતી.રીએક્ટર નંબર 105 માં ડાય મીથાઇલ ફોર્મોમાઇડનું ડિસેલીનેશન ન કરી નવી બેચ ભરી હાથ ધરેલી પ્રક્રિયામાં રિએક્શનથી પ્રેશર વધી જતાં ધડાકા સાથે આગ ફાટી નીકળવાની મોટી ઔદ્યોગિક હોનારતમાં 6 ફાયર ફાઈટરોની મદદથી 6 કલાકે આગ કાબુમાં આવી હતી.દહેજ PI આર.જે. ગોહિલે 10 મહિનાની તપાસ અને રિપોર્ટ બાદ કંપની માલિકો ચિરાગ વેકરિયા, કિરણસિંહ જાડેજા, ચિંતન વેકરિયા અને અશોક વિરાણી સામે તેઓની ગંભીર બેદરકારીથી હોનારત ઘટવા અને 6 કામદારોનું મોત થયું હોય ગુનો દાખલ કર્યો છે.