Published by : Vanshika Gor
- ભરૂચમાં સત્યાગ્રહથી સ્વરાજ સુધી ગાંધીજીની 12 વખત સફરના સ્મરણો
- 26 માર્ચ 1930 ના રોજ બાપુએ તેમના 89 સાથીઓ સાથે સેવાશ્રમમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે વિરાટ સભા સંબોધી
- ગાંધીજીને સાંભળવા તે સમયે રાજ્યભરમાંથી 100000 ની મેદની ઉમટી હતી
ગાંધીજીના મીઠાંના સત્યાગ્રહ દાંડીકૂચને આજે 12 માર્ચે 93 વર્ષ થયાં છે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની દાંડીયાત્રાનું ભરૂચ પણ મીઠાના સત્યાગ્રહથી લઈ સ્વરાજ સુધીની ચળવળમાં 12 વખત બાપુની હાજરીનું સાક્ષી બન્યું હતું.દાંડીયાત્રા વેળા ગાંધીજીએ તેમના 89 સાથીઓ સાથે 26 માર્ચે ભરૂચમાં પ્રવેશી આજથી 93 વર્ષ પહેલાં સેવાશ્રમ હોસ્પિટલના ગેસ્ટહાઉસમાં રાત્રી રોકાણ કરી બીજા દિવસે બપોરે જાહેરસભા યોજી હતી.
દાંડીયાત્રા શરૂ થઈ અને જોતજોતામાં ભરૂચ માટે 26 માર્ચ , 1930 નો ઐતિહાસિક દિવસ આવી ગયો હતો. ગાંધીજી તેમના 89 સાથીઓ સાથે સેવાશ્રમ ગેસ્ટહાઉસ ખાતે આવી પહોંચ્યા હતા , જ્યાં રાત્રે ડો . ચંદુભાઈ દેસાઈ ( ભરૂચના છોટે સરદાર ) એ મહાત્મા ગાંધી અને તેમના સાથીઓ માટે રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા કરી હતી.

બીજા દિવસે બપોરે ગાંધીજીએ ભરૂચ ઉપરાંત રાજ્યભરમાંથી આવી ગયેલા લોકોને સંબોધતા જાહેર સભા કરી હતી , જેમાં તેઓએ જણાવ્યું હતું કે , સત્યાગ્રહ જગતની લાગણી ઉશ્કેરીને જ ચાલી શકે , હિંદુસ્તાન 10 વર્ષથી જે ઝંખે છે તે સ્વરાજ પ્રાપ્તિ માટે , એટલે જ સવિનય ભંગ કરવા મોડે મોડે નીકળ્યો છું.
પ્રાર્થના બાદ સભા પૂરી થતાં સરઘસની તૈયારી થઈ સમગ્ર ભરૂચ અને હજારોની જનમેદની વચ્ચે સેવાશ્રમ હોસ્પિટલથી ગાંધીજીએ સરોજિનીદેવીનો હાથ પકડી દાંડી માટે કૂચ શરૂ કરી હતી. સેવાશ્રમથી સોનેરી મહેલ , જવાહર બજાર , રણછોડજીનો ઢોળાવ થઈને સરઘસ નવચોકીના ઓવારે જવાનું હતું
ભરૂચમાં આટલું વિશાળ સરઘસ અને તેને જોવા આવનાર બહારની આટલી જનમેદની ભરૂચની પ્રજાએ પહેલી જ વાર નિરખી હતી. તે સમયે ગાંધીજીને જોવા અને સાંભળવા ભરૂચમાં રાજ્યમાંથી એક લાખ લોકો ઉમટા હતા. સાકડા માર્ગો પર બાપુને જોવા માટે પડાપડી સર્જાઈ હતી . સડસડાટ ચાલતાં બાપુ તેમના 89 સાથીદારો સાથે કૂચ બજારને વીંઝતી નવચોકીના ઓવારે પહોંચી , જયાંથી અંકલેશ્વર જવા માટે 10 હોડી તૈયાર કરવામાં આવી હતી.
