- મહિલા અને તેનો ભત્રીજો વડોદરાના દંપતીને વેચવા આવતા પોલીસે દબોચી લીધા
દિલ્હીથી માત્ર આઠ દિવસની બાળકીને લઇને વડોદરાના દંપતીને વેચવા માટે આવેલી મહિલા અને તેનો ભત્રીજો વડોદરા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે તેઓની પાસેથી બાળકીનો કબજો મેળવી લીધો છે.તેમજ બાળકી વેચવા આવનાર તથા ખરીદવા આવનાર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસીપી ઝોન – ૨ ને માહિતી મળી હતી કે,રેલવે સ્ટેશનની બહાર એક નવજાત બાળકીનો સોદો થવાનો છે.જેથી,સવારે છ વાગ્યાથી ડીસીપી અભય સોનીની સૂચના મુજબ એલસીબી ટીમ, રાવપુરા શી ટીમ તથા ચાઇલ્ડ લાઇનના મહિલા સભ્ય સ્ટેશનની બહાર વોચમાં હતા.બાળકી લઇને દિલ્હીથી એક મહિલા દહેરાદૂન એક્સપ્રેસમાં આવવાની છે.શહેરના કારેલીબાગ તુલસીદાસની ચાલીમાં રહેતા સૌરભ વિશ્વનાથ વેરા તથા તેના પત્ની સોમાબેને આ બાળકીને લેવા માટે આવવાના હોવાની માહિતી પણ પોલીસને મળી હતી.
આ દંપતી વડોદરા રેલવે સ્ટેશન આવ્યું હતું.પોલીસની ટીમે તેઓની પર સતત વોચ રાખી હતી.દરમિયાન દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા અને યુવક નવજાત બાળકીને લઇને નીચે ઉતર્યા હતા.રેલવે સ્ટેશનની બહાર ઉભેલા દંપતીને બાળકીને સોંપતાની સાથે જ પોલીસે ચારે તરફથી ઘેરી લઇને તમામને ઝડપી લીધા હતા.તમામને રાવપુરા પોલીસ સ્ટેશન લઇ આવી પૂછપરછ કરવામાં આવી હતી.
પરંતુ,તેઓ પાસે બાળકી કે તેના સાચા માતા – પિતાના કોઇ આધાર પુરાવા ન હતા.જેથી,પોલીસે બાળકી લેવા આવનાર દંપતીને પૂછતા તેઓએ પણ ગોળ – ગોળ જવાબો આપ્યા હતા.દિલ્હીથી બાળકીને વેચવા માટે આવેલી પૂજા હરીશંકર તથા તેના ભત્રીજા દિપકકુમાર શિવચરણ (બંને રહે.બાપા નગર, કરોલબાગ, એસ.ઓ.સેન્ટ્રલ દિલ્હી) તથા વડોદરાના દંપતી સામે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કેસ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો હોવાનું પોલીસે જણાવ્યું છે
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )