Published by : Anu Shukla
દિલ્હીમાં MCD ચૂંટણી બાદ આજે મેયર પદ માટે ચૂંટણી છે. આ સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ ચૂંટણી થશે. કાઉન્સિલરોએ મતદાન પહેલા શપથ લેવાના હોય છે. પરંતુ આ પહેલા AAP કાઉન્સિલરોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ધક્કામુક્કી પણ થઈ હતી. આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો નામાંકિત સભ્યોને પ્રથમ શપથ લેવા માટે વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એલજી દ્વારા ભાજપના કાઉન્સિલર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં મતદાનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ મુકેશ ગોયલને MCDમાં ગૃહના નેતા બનાવ્યા છે.
આ રીતે MCD મેયરની ચૂંટણી રસપ્રદ બની
દિલ્હીમાં મેયરની ચૂંટણી રસપ્રદ બની રહી છે. MCD હાઉસમાં આમ આદમી પાર્ટીની બહુમતી હોવાનું જાણીને ભાજપે પોતાના મેયર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી બીજેપી કરતા ઘણી આગળ છે. વિધાનસભામાં સંખ્યાબળના આધારે, 14 નામાંકિત ધારાસભ્યોમાંથી 13 AAPના છે જેઓ મેયરની ચૂંટણીમાં મતદાન કરશે. આ ચુંટણીમાં 10 સાંસદો પાસે પણ મતદાનનો અધિકાર છે, જેમાં 7 ભાજપના અને 3 રાજ્યસભા સાંસદ AAPના છે. મતદાનનો અધિકાર ધરાવતા કુલ 274 ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી આમ આદમી પાર્ટી પાસે 150 મત છે. ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 113 મત છે.
મેયર પદના ઉમેદવાર
દિલ્હી MCDમાં AAPના મેયર પદના ઉમેદવાર તરીકે શેલી ઓબેરોય છે. ભાજપે મેયરની ચૂંટણી માટે રેખા ગુપ્તાને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. તે ત્રીજી વખત કાઉન્સિલર બન્યા છે. દિલ્હી MCDની ચુંટણીમાં સંખ્યાની દ્રષ્ટિયે ભાજપ ભલે પાછળ હોય પરંતુ MCDમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી અને કોઈ વ્હીપ કામ કરતું નથી. તેથી જો ચાલાકી કરવામાં આવે તો શક્યતાઓ અમર્યાદિત છે.