Published by : Anu Shukla
- સુપ્રીમ કોર્ટે દિલ્હી હેટ સ્પીચ મામલે ખૂબ જ કડક વલણ અપનાવ્યુ
ડિસેમ્બર 2021માં દિલ્હીની ધર્મ સંસદમાં હેટ સ્પીચ કેસ પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોવા મળ્યું હતું. કોર્ટે દિલ્હી પોલીસ પર નારાજગી વ્યક્ત કરી છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. કોર્ટે પોલીસ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. દિલ્હીમાં ધર્મ સંસદમાં હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ પર અનેક મોટા સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, ધર્મ સંસદ 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાઈ હતી તો પાંચ મહિના પછી એફઆઈઆર કેમ નોંધવામાં આવી.
કોર્ટે દિલ્હી પોલીસને કડક સૂરમાં સવાલ કર્યો કે, એફઆઈઆર નોંધાયાના 8 મહિના બાદ પણ તપાસ ક્યાં સુધી પહોંચી છે. આ મામલે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે શું પગલા લેવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પોલીસને આ મામલે દિલ્હી પોલીસ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને લઈને ઘણા સવાલ કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હેટ સ્પીચ મામલે ખૂબ જ કડક વલણ અપનાવ્યુ હતું. સુપ્રીમ કોર્ટે તપાસ અધિકારીઓ પર બે અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે દિલ્હી પોલીસની મુશ્કેલી વધી ગઈ છે. પોલીસે બે અઠવાડિયાની અંદર કોર્ટમાં કેસને લઈને જાણકારી આપવાની રહેશે. 19 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીમાં હિન્દુ યુવા વાહિની દ્વારા આયોજિત ધર્મ સંસદ કાર્યક્રમમાં હેટ સ્પીચનો મામલો સામે આવ્યો હતો. જે બાદ SQR ઈલ્યાસ અને ફૈઝલ અહેમદે કથિત હેટ સ્પીચની ફરિયાદ નોંધાવી હતી. બંનેએ તેમની ફરિયાદમાં દાવો કર્યો હતો કે, ડિસેમ્બર 2021માં ગોવિંદપુરી મેટ્રો સ્ટેશન પાસે બનારસીદાસ ચાંદીવાલા ઓડિટોરિયમમાં હિન્દુ યુવા વાહિની દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હેટ સ્પીચ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.