Published by : Rana Kajal
દિવાળી નો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારના મહત્વની સાથે તેનો ઇતિહાસ પણ છે. દિવાળીના દિવસે શ્રીરામ ફક્ત અયોધ્યા પરત ફર્યા ન હતા, પરંતુ આ દિવસે માતા દુર્ગાએ કાલીનું સ્વરૂપ લીધું હતું, ભગવાન મહાવીરે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દિવાળીના દિવસે, પાંડવો તેમના દેશનિકાલ અને અજ્ઞાતવાસથી પાછા ફર્યા હતા. આમ, દિવાળી સાથે અનેક કથા જોડાયેલી છે.
ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા
માતા કૈકેયી દ્વારા આપવામાં આવેલ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અને રાવણનો વધ કર્યા બાદ ભગવાન રામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમના આગમનની ખુશીમાં લોકોએ પોતાના ઘરોને દીવાઓથી શણગાર્યા હતા અને અને આખી નગરીને દિવાઓની હારમાળાઓથી ઝગમગ કરી હતી. ત્યારથી જ દિવાળીના દિવસે દિવા પ્રગટાવવાની પરંપરા છે.
સમુદ્ર મંથન
જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરીત થઈ હતી. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મીપૂજન થાય છે
નરકાસુરનો વધ
દિવાળીના એક દિવસ અગાઉ નરકચતુર્દશી ઉજવાય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી. નરકચતુર્દશીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે.