Published by : Rana Kajal
દિવાળીનો અર્થ છે ‘દિપોત્સવ’. આ સમયે દરેક ઘરોમાં દિવા ઝળહળી ઉઠે છે. આ દિવાના અજવાળાથી લોકોના જીવનનું અંધારુ દૂર થઈ જાય છે. તે જ રીતે હિંદુ તહેવારોમાં આપણે ત્યાં ઘર આંગણે રંગોળી કરવાની પ્રથા છે. રંગોળીના આ વિવિધ સુંદર રંગો ઘરની શોભા વધારે છે. રંગો વ્યક્તિના મનને આકર્ષિત કરે છે. સામાન્ય રીતે વર્ષોથી તહેવાર, વ્રત, પૂજા, ઉત્સવ, લગ્ન વગેરે શુભ અવસરો પર સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવવામાં આવે છે, જેમાં મોટા ભાગે દેવી-દેવતાઓની આકૃતિઓ હોય છે. જ્યારે આજે રંગોળી બનાવવાનો હેતુ ઘરની સજાવટ અને સુમંગળ છે. જેને ઘરની સ્ત્રીઓ ઘર આંગણે, પૂજા સ્થાને બનાવે છે.

રંગોળી’ કરવાની પ્રથા એવું માનવામાં આવે છે કે, રાવણને માર્યા બાદ જ્યારે ભગવાન રામ પોતાની પત્ની સીતા સાથે 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યુ હતુ. લોકોએ પોતાના ઘરોની સાફ-સફાઈ કરી, તેમ જ સ્વચ્છ રંગો તથા ફૂલોથી રંગોળી બનાવી હતી અને ઘરને દિવાથી સજાવ્યા હતા. પરિણામે ત્યારથી જ દિવાળી પર રંગોળી અને દિવા પ્રગટાવાની પ્રથા શરૂ થઈ છે.

ઈતિહાસ રંગોળીનું એક નામ ‘અલ્પના’ પણ છે. મોહેન્જો દડો અને હડપ્પામાં પણ ‘અલ્પના’ના ચિન્હો જોવા મળે છે. ‘અલ્પના’ વાત્સ્યાયનના કામ-સૂત્રમાં વર્ણિત ચોસઠ કળાઓમાંની એક છે. ‘અલ્પના’ શબ્દ સંસ્કૃતના ‘ઓલંપેન’ શબ્દથી આવ્યો છે, ‘ઓલંપેન’નો અર્થ છે ‘લેપ’ કરવો. પ્રાચીન કાળમાં લોકોનો વિશ્વાસ હતો કે કલાત્મક ચિત્ર શહેર અને ગામને ધન-ધાન્યથી પરિપૂર્ણ રાખવામાં સમર્થ હોય છે અને પોતાના જાદુઈ પ્રભાવથી સંપતિને સુરક્ષિત રાખે છે. આ કારણે લોકો રંગોળીને મહત્વ આપે છે.
