Published by : Rana Kajal
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલ 133થી વધુ લોકોના મોત નિપજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી પહોચ્યા હતા. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે.

દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતા. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હજુ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.
મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.