Published by : Anu Shukla
- શકુંતલા રેલવે આજે પણ અંગ્રેજોના તાબા હેઠળ
- શકુંતલા રેલવે ટ્રેક કે જે મહારાષ્ટ્રના યવતમાલથી અચલપુર વચ્ચે આવેલી છે
- દર વર્ષે કરોડોની ચૂકવવી પડે છે રોયલ્ટી!
ભારતમાં રેલવેની શરૂઆત અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. જે પછી ભારત દેશ આઝાદ થતાની સાથે જ આ રેલવે ભારતીય રેલવે બની હતી. આમાં પણ ઘણા ફેરફારો થયા. સમયાંતરે તેને સુધારવા માટે કામ કરવામાં આવતું હતું. આઝાદીના આટલા વર્ષો પછી ભારતમાં એક એવી રેલ્વે લાઈન છે જે હજુ પણ અંગ્રેજોના નિયંત્રણમાં છે.
જે રેલવે લાઈન પર અંગ્રેજોને કરોડો રૂપિયાની રોયલ્ટી આપવામાં આવે છે. આ ખાસ રેલવે લાઈનની વાત કરવામાં આવે તો શકુંતલા રેલવે ટ્રેક કે જે મહારાષ્ટ્રના યવતમાલથી અચલપુર વચ્ચે લગભગ 190 કિલોમીટર લાંબો ટ્રેક છે. આજે પણ તેના પર અંગ્રેજો દબદબો બનાવી બેઠા છે. આજે પણ શકુંતલા પેસેન્જર આ ટ્રેક પર ચાલે છે, જે અહીંના સ્થાનિક લોકોની લાઈફલાઈન છે. ભારત સરકારે આ રેલ્વે ટ્રેક ખરીદવા ઘણા પ્રયાસ કર્યા છે પરંતુ આજ દિવસ સુધી સફળ થયા નથી.
રેલવે રાષ્ટ્રીયકરણ બાદ હજુ એક ટ્રેક બ્રિટીશ માલિકી હેઠળ
ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ વર્ષ 1952માં થયું હતું, પરંતુ રાષ્ટ્રીયકરણ થયા પછી પણ દેશમાં હજુ એક એવો ટ્રેક બચી ગયો છે જેનો સમાવશે આમાં થતો નથી. આ રેલવે ટ્રેક બ્રિટિશ કંપનીની માલિકી હેઠળ આવે છે. એટલા માટે બ્રિટનની ક્લિક નિક્સન એન્ડ કંપનીનું ભારતીય યુનિટ સેન્ટ્રલ પ્રોવિઝન રેલવે કંપનીને દર વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી ચૂકવે છે.
સ્ટીમ એન્જિન 70 વર્ષથી ઓપરેટ થાય છે
આ ટ્રેન છેલ્લા 70 વર્ષથી સ્ટીમ એન્જિનથી દોડતી રહી છે. પરંતુ વર્ષ 1994 પછી, સ્ટીમ એન્જિનને ડીઝલ એન્જિનમાં બદલવામાં આવ્યું હતું. આ સાથે ટ્રેનની બોગીની સંખ્યા પણ વધારીને 7 કરવામાં આવી છે. અચલપુરથી યવતમાલ વચ્ચે કુલ 17 સ્ટેશન છે અને આ ટ્રેન દરેક સ્ટેશન પર ઉભી રહે છે. આ ટ્રેન 190 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 6 થી 7 કલાક લે છે. જોકે, કેટલાક કારણોસર આ ટ્રેન હાલમાં બંધ પડી છે. પરંતુ હજુ પણ આ રેલવે ટ્રેક જોવા માટે પ્રવાસીઓ અચલપુરથી યવતમાલ આવે છે.