ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા એક બાદ એક કેટલાક વિકાસ કાર્ય કરી રહ્યુ છે. દરમિયાન રેલવે વંદે મેટ્રો ટ્રેનનું નિર્માણ કરી રહ્યુ છે, જે 1950 અને 60 ના દાયકામાં ડિઝાઈન કરવામાં આવેલી મેટ્રોનું સ્થાન લેશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 18 ડિસેમ્બરે આ વાતની જાણકારી આપી. તેમણે એ પણ કહ્યુ કે પહેલી સ્વદેશી રીતે ડિઝાઈન અને નિર્મિત હાઈડ્રોજન ટ્રેન ડિસેમ્બર 2023માં શરૂ થશે.
રેલવે મંત્રીએ જણાવ્યુ કે અમે વંદે મેટ્રો ટ્રેનની ડિઝાઈન તૈયાર કરી રહ્યા છીએ અને ડિઝાઈન મે કે જૂન સુધી તૈયાર થઈ જવી જોઈએ. અમે એક વિશ્વસ્તરીય વંદે મેટ્રો ડિઝાઈન કરી રહ્યા છીએ, જે એક મોટી સફળતા હશે. તેમણે કહ્યુ કે આ વંદે મેટ્રો ટ્રેનનું નિર્માણ એટલી મોટી સંખ્યામાં કરવામાં આવશે કે સમગ્ર દેશમાં 1950 અને 1960 ના દાયકાની ડિઝાઈન વાળી ટ્રેનને બદલી દેવાશે.
વંદે મેટ્રો મિડલ ક્લાસ અને ગરીબોને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવી રહી છે. આનુ ફોકસ અમીર ગ્રાહકો પર નથી. તેમણે એ પણ કહ્યુ કે અમીર લોકો પોતાનો ખ્યાલ રાખી શકે છે. કેન્દ્ર સરકાર ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીનું ફોકસ મિડલ ક્લાસ અને ગરીબ લોકો પર છે. રેલવે મંત્રી વૈષ્ણવે કહ્યુ કે વડાપ્રધાન ઈચ્છે છે કે રેલવે દરેક ભારતીયના જીવનમાં મોટુ પરિવર્તનકારી પરિવર્તન લાવશે.
દેશમાં ચાલી રહેલી વંદે ભારત ટ્રેનોને મુસાફર માટે વધુ શ્રેષ્ઠ બનાવવા માટે આમાં સ્લીપર ક્લાસ જોડવામાં આવશે. રેલવે મંત્રીએ જણાવ્યુ કે રેલવે વંદે ભારત – 3 ની ડિઝાઈન પર કામ કરી રહ્યુ છે. જેમાં સ્લીપર ક્લાસ પણ હશે. વંદે ભારત-3 ને લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગ કરવામાં આવી શકાશે.