જંબુસર તાલુકાના ભાણખેતર ગામ ખાતેના આ રસ્તા ઉપર પૌરાણિક ગણપતિજીનુ મંદિર તેમજ વૈષ્ણવ સમાજના બેઠકજીનુ મંદિર આવેલું છે જ્યાં દરરોજ સવાર સાંજ ભક્તો દ્વારા દર્શન કરવા માટે ભીડ જામે છે, પરંતુ ગટરના ગંદા પાણીના લીધે મશ્કેલી વેઠવી પડે છે અને તેઓની આસ્થાને ઠેસ પોહચે છે. તેમજ મુસ્લિમ સમાજનું ધાર્મિક સ્થળ ગંજ શહીદની દરગાહ જે 799 વર્ષ જૂની છે તે પણ આજ માર્ગ ઉપર આવેલી છે. આ દરગાહ ખાતે આગામી તારીખ 5- 6- 7 ના રોજ ઉર્સનો મેળો યોજવાનો છે. આ મેળામાં હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળું મોટી સંખ્યામાં આવે છે તેમજ તુલસીવાળી પાસે વાઘેલા સમાજના લોકો રહે છે જે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંદકી તેમજ મચ્છરોના ત્રાસથી બીમારીનો ભય સતત વર્તાઈ રહ્યો છે.

નાના બાળકોને બાલમંદિર કે સ્કૂલે જવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. રજા પડવાથી ભણતર ઉપર અસર પડે છે. વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર ડી કે સ્વામી પ્રચાર અર્થે ગયા હતા ત્યારે સ્થાનિકોએ રજુઆત કરી હતી ત્યારે ધારાસભ્ય બન્યા પછી તમારી સમસ્યાનુ વહેલી તકે નિરાકરણ લાવીશુ તેવી ખાત્રી આપી હતી જે વાતને 2 મહિના થવા આવશે તોય સમસ્યા હલ નહી થતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળે છે. બાળકોના ભણતરનુ ભવિષ્ય ધ્યાનમા લઈને નગરપાલિકાના સતાધિશો તેમજ ધારાસભ્યએ વહેલી તકે સમસ્યાનુ નિરાકરણ લાવવું જોઈએ તેવી લોક માગ છે.





