ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે. તમામ પાર્ટીઓ એકબીજાને પછાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીના ચક્રવ્યૂહમાં અમુક પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં એક નામે સૌનું ધ્યાન ખેંચ્યું છે. એ નામ છે કૌશિકા પરમારનું. બે બાળકની માતા 38 વર્ષીય કૌશિકા પરમારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રાજકારણના ધુરંધરોને પડકાર ફેંક્યો છે.
ધો.10 પાસ કૌશિકા પરમારને ઓવૈશીની પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ટિકિટ ફાળવી છે. કૌશિકા પરમાર AIMIM (ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન) પાર્ટીનાં અમદાવાદ શહેર પ્રમુખ પણ છે. અમદાવાદના સાબરમતી વિસ્તારનમાં જન્મેલાં કૌશિકા પરમારના પતિ ખાનગી નોકરી કરે છે. કૌશિકા બે બાળક, પતિ, સાસુ-સસુરા અને નણંદ એમ કુલ 6 સભ્ય સાથે ભાડાના મકાનમાં રહે અને ભાડાથી પોતાનું બ્યૂટી સલૂન ચલાવે છે.
દાણીલીમડા બેઠક હંમેશાંથી કોંગ્રેસનો ગઢ રહી છે. વિધાનસભાની 2012 અને 2017ની બે ચૂંટણીમાં કોંગ્રેસના શૈલેષ પરમાર જીત્યા છે. જોકે આ વખતે તેમને ભાજપ અને AAP ઉપરાંત AIMIMના ઉમેદવાર કૌશિકા પરમારનો પણ સામનો કરવો પડશે. એે કારણે દાણીલીમડાની બેઠકની ચૂંટણી રસપ્રદ બની રહશે..
AIMIMમાં જ કેમ જોડાયાં? એ અંગેના સવાલમાં કૌશિકાએ કહ્યું હતું કે પહેલાં હું આમાં નહોતી આવવા માગતી, પણ કોરોનામાં મેં લોકોની ઘણી તકલીફો જોઈ છે. એ વખતે હું સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને સિવિલ તથા વીએસ જેવી હોસ્પિટલોમાં નાનીમોટી સેવા કરતી હતી. ત્યારે સાબીરભાઈ કાબલીવાળા (AIMIMના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) પણ રાતદિવસ ઘણી સેવા કરતા હતા. એ બધું હું જોતી હતી. ત્યારે મને થયું કે આ કોણ છે? કઈ પાર્ટી છે? પછી જાણવા મળ્યું કે આ AIMIM પાર્ટી છે. એ વખતે ઘણા કાર્યકરો કોરોના થવાની બીકે ઘરમાં બેસી જતા, એવા કપરા સમયમાં સાબિરભાઈ એ લોકોની ખૂબ મદદ કરી હતી. મને રસ જાગ્યો કે આમની સાથે ક્યારેક જોડાવવું જોઈએ, પરંતુ બીજા કામોને લીધે હું તેમની મુલાકાત કરી ન શકી. એના બે વર્ષ પછી મારી તેમની સાથે ઓળખાણ થઈ. એ પછી અસસ (અસદુદ્દીન ઓવૈસી) સાહેબના ઘણા વીડિયો મેં જોયા હતા, ત્યારે થતું કે હું ક્યારે આ વ્યક્તિને મળીશ?