Published by : Anu Shukla
- ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર જોગીન્દર શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત, જય શાહને લખ્યો પત્ર
વર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. બધાને યાદ છે જોગીન્દર શર્મા, જે તે વર્લ્ડ કપમાં ફાઈનલના હીરો હતા. જોગીન્દર શર્માએ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શુક્રવારે 39 વર્ષીય જોગીન્દર શર્માએ ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી.
હરિયાણાના રોહતકથી આવેલા જોગીન્દર શર્માએ ભારત માટે માત્ર 4 ODI અને 4 T20 મેચ રમી છે. ખાસ વાત એ છે કે તેણે પોતાના કરિયરની તમામ ટી20 મેચો માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ રચાઈ ગયો. જ્યારે તેણે 2004માં ભારત માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને 2007માં છેલ્લી ODI રમી હતી. જોગીન્દર શર્મા હાલમાં હરિયાણા પોલીસમાં ડીએસપી તરીકે તૈનાત છે, તે થોડા સમય પહેલા હરિયાણા તરફથી રણજી ટ્રોફી પણ રમી રહ્યો હતો.
પત્ર લખી સંયાન્સની કરી જાહેરાત
જોગીન્દર શર્માએ ટ્વિટર પર પોતાનો પત્ર શેર કર્યો, જે તેણે BCCI સચિવ જય શાહને મોકલ્યો છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. જોગીન્દર શર્માએ લખ્યું છે કે તેઓ BCCI, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નાઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગીન્દર શર્માએ તેના ચાહકો, પરિવારજનો, મિત્રોનો આભાર માન્યો, જેમણે તેની કારકિર્દીના ઉતાર-ચઢાવમાં તેને સાથ આપ્યો. જોગીન્દર શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, અન્ય વિકલ્પો શોધવાની વાત કરી.
24 સપ્ટેમ્બર, 2007નો દિવસ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અદ્ભુત સાબિત થયો. તે જ દિવસે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની પ્રથમ સીરિઝની ચેમ્પિયન બની હતી. આ સાથે, મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમ 1983 પછી વિશ્વ ખિતાબ કબજે કરવામાં સફળ રહી.