Published by : Rana Kajal
- ગત વર્ષની સરખામણીએ દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા…
એચ એસ સી અને એસ.એસ.સી ની બોર્ડની પરીક્ષામાં 16.54 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતા દોઢ લાખ કરતા વધુ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનારી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. આ વર્ષે ધો.૧૦, ૧૨ સાયન્સ અને ૧૨ સા.પ્ર.માં કુલ મળીને ૧૬.૫૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.ગત વર્ષની સરખામણીએ દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જ્યારે ધો.૧૦માં બેઝિક ગણિતમાં ૮.૦૪ લાખ અને સ્ટાન્ડર્ડ ગણિતમાં ૮૧૫૯૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધો.૧૦માં આ વર્ષે ૯,૬૦,૮૭૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે.જેમાં ૭ લાખથી વધુ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જ્યારે બાકીના રીપિટર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે. ધો.૧૦માં બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરનારા આ વર્ષે રેગ્યુલર અને રીપિટર તરીકેના ૮.૦૪ લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે ૮૧૫૯૧ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતમાં પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કર્યો છે.ગત વર્ષે બોર્ડ દ્વારા પ્રથમવાર બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના વિકલ્પની પદ્ધતિ લાગુ કરાઈ હતી અને ગત વર્ષે પણ ૯૦ ટકા જેટલા વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત અને માત્ર ૧૦ ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યુ હતું.
ગત વર્ષે ધો.૧૦માં કુલ ૯.૬૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આમ ગત વર્ષ કરતા આ વર્ષે ધો.૧૦માં વિદ્યાર્થીઓ થોડા ઘટયા છે. આ વર્ષે ધો.૧૨ સાયન્સમાં ૧,૨૬,૬૭૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગત વર્ષે સાયન્સમાં ૧.૦૭ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૭,૦૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે.ગત વર્ષે ૪.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આ વર્ષે ૧.૫૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં ગત વર્ષ કરતા વધુ નોંધાયા છે.ગુજરાત બોર્ડ દ્વારા ૧૪થી ૨૯ માર્ચ દરમિયાન ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા લેવાનાર છે.પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાથી માંડી અન્ય તમામ પ્રક્રિયા હાલ શરૃ કરી દેવાઈ છે.