Published by : Vanshika Gor
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 9 માર્ચથી રમાશે. આ મેચમાં બંને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થની અલ્બાનિસ હાજરી આપવાના છે. ત્યારે પ્રથમ દિવસની રમત દરમિયાન જ સ્ટેડિયમ નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવા તૈયાર છે. અહીં આપણે જાણીશું એ રેકોર્ડ વિશે.
10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટશે
ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ દિવસે સૌથી વધુ ઓડિયન્સનો રેકોર્ડ મેલબોર્નના નામે છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ 2013ની મેચમાં પ્રથમ દિવસે દર્શકોની સંખ્યા 91,112 હતી. ગુજરાતી જાગરણને બુકમાયશો સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પરમદિવસથી શરૂ થતી ચોથી ટેસ્ટની અત્યાર સુધીમાં 70 હજારથી વધુ ટિકિટ્સ વેચાઈ ગઈ છે. ત્યારે હાઈ-ચાન્સીસ છે કે પ્રથમ દિવસે ટેસ્ટમાં સૌથી વધુ ઓડિયન્સનો રેકોર્ડ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે થઈ જાય.
8:30થી 10 વાગ્યા સુધી મેદાન પર હાજર રહેશે બંને દેશના PM
વધુમાં ગુજરાતી જાગરણને એ પણ જાણવા મળ્યું છે કે, બંને દેશના PM મેચના પ્રથમ દિવસે સવારના 8:30 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી મેદાનમાં હાજર રહેશે. જો કે, તેઓ ઈચ્છે તો પોતાનો સ્ટે વધારી પણ શકે છે, મિનિમમ 1:30 કલાક તો તેઓ સ્ટેડિયમમાં રહેશે જ તે લગભગ નક્કી છે.
ભારત શ્રેણીમાં 2-1થી આગળ
ટીમ ઇન્ડિયા અત્યારે સીરિઝમાં 2-1થી આગળ છે. અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટ જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. જો આ મેચ ડ્રો જાય અથવા ભારત હારે તો પછી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની શ્રેણીથી નક્કી થશે કે ભારત ફાઇનલમાં રમશે કે નહીં. જો લંકા કિવિઝ સામે 2-0થી જીતે તો જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બહાર થશે.