Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchનર્મદા જન્મજયંતી : ઉદગમ સ્થળ અમરકંટકથી સાગર સંગમ ભરૂચ સુધી ઉજવણી

નર્મદા જન્મજયંતી : ઉદગમ સ્થળ અમરકંટકથી સાગર સંગમ ભરૂચ સુધી ઉજવણી

  • જટાશંકરીને વિષ્ણુ અને શંકરનું અવિરત વહેવાનું વરદાન, 7 કલ્પોથી વહેતી નર્મદા મૈયાની અવિરત ધારા
  • રેવા તટે આવેલા છે 74 કરોડ તીર્થો, ખળખળ વહેતી રેવા ચાર રાજ્યોની જીવાદોરી
  • સૃષ્ટિની રચનામાં લાગેલા પાપના નિવારણ માટે શિવજીના લલાતમાંથી નીકળેલા પ્રશ્વેદમાંથી આંનદદાયીની ઉત્પતિ
  • ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા નદીના દર્શન માત્રથી જ પાપોનો થતો નાશ
  • વિશ્વની જીવંત નદીનું બિરુદ ધરાવતી એકમાત્ર નર્મદાની થતી પરિક્રમા

વિશ્વની એકમાત્ર જીવંત નદી અને પરિક્રમા થતી નર્મદા નદીની શનિવારે જન્મ જયંતિની ઉદગમ સ્થાન અમરકાંતકથી સાગર સંગમ સ્થાન ભરૂચ સુધી ભવ્ય ઉજવણી થઈ રહી છે. સાત કલ્પોથી વહેતી નર્મદા નદીની અવિરત ધારા અને તેના પ્રાગટય વિશે અથથી ઇતિ સુધીની વેદો અને પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ મુજબ ભગવાન શંકરે પોતાના લલાતમાંથી નીકળેલી બુંદમાંથી નર્મદા મૈયાને સૃષ્ટિની રચનાના પાપ નિવારણ માટે ઉત્પન્ન કર્યા હોવાનુ વર્ણવાયુ છે.

શિવપુત્રી રેવાનો વિવિધ વેદો , પુરાણોમાં જન્મનો ઉલ્લેખ કરાયો છે. નર્મદા પ્રાગટય વિશે સર્વોસામાન્ય વર્ણવાયેલી કથા મુજબ એક સમયે બ્રહ્મા , વિષ્ણુ , મહેશ સહિત સમસ્ત દેવતાઓને સૃષ્ટિ કાર્યમાં વિવિધ કારણોથી પાપ લાગી ગયુ હતુ. મહાદેવજી પ્રસન્ન થતાં તેમના શરીરમાંથી નીકળેલી એક બુંદમાંથી એક સુંદર કન્યાનું પ્રાગટય થયુ હતુ.

કન્યાના દિવ્ય તેજથી દેવતાઓનું તેજ પણ ફીક્કુ પડી ગયુ હતુ. દેવતાઓએ આશ્ચર્યચકિત થઈને મહાદેવજીને કન્યાનુ નામ પુછતા તેમણે કહ્યુ હતુ કે , મારી જટામાંથી ઉતપન્ન થયા હોવાથી એમનુ નામ જટાશંકરી અને કલ્પકલ્પાંત સુધી ક્ષય નહીં હોવાથી એટલે અમર હોવાથી તે કન્યાનું નામ નર્મદા તરીકે પ્રસિધ્ધ થશે.

નર્મદા મૈયાને અમરત્વનું વરદાન મળ્યું હોવાથી સૃષ્ટિના વિનાશ બાદ પણ અનંતકાળ સુધી નર્મદા નદી નિરંતર ખળખળ વહેતી રહેવાનું વરદાન ભગવાન વિષ્ણુ અને શંકર તરફથી પ્રાપ્ત થયું છે. ઉદગમ સ્થાન અમરકંટકથી લઈ સમુદ્ર સંગમ 1312 KM માં ભાડભૂત સુધી નર્મદા નદીના પ્રવાહમાં બંન્ને કાંઠે 74 કરોડ તીર્થો આવેલા છે. વિશ્વની એક માત્ર એવી નદી છે જેની પરિક્રમા થાય છે. નર્મદા મૈયાને વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ પણ મળ્યું છે. ગુજરાત , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનની વીજળી અને પાણી માટે નદીને જીવાદોરી ગણવામાં આવે છે .

નર્મદા તટે તપ કરનાર તપસ્વીઓ

રેવા તટે તપ કરવાથી મળતી સિધ્ધિઓને હાંસલ કરવા માટે દેવતાઓ પણ બાકાત રહ્યા ન હતા . ઈન્દ્ર , કુબેર , વરૂણ , યમ , અગ્નિ , વાયુ મેઘ , ગણેશ , રામ – લક્ષ્મણ , જાંબુવન , હનુમાન , નલ – નીલ , બ્રહ્મા , વિષ્ણુ સહિતના તમામ દેવતાઓએ નર્મદાતટે તપ કર્યુ છે . જયારે કશ્યપ , અત્રિ , નારદ , વશિષ્ટ , પીપલાદ , કદમ , દધીચી , માર્કન્ડેય , સનત કુમાર , નચિકેતા , સાંદિલ્ય , માંડવ , કપીલ , આદી મહર્ષિઓએ રેવા તટે શિવલીંગ સ્થાપીને તપસ્યા કરી છે.

ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ-નર્મદા મંદિર, અંગારેશ્વર, કુકરવાડા સહિત નર્મદા કિનારે ઉજવણી

અંગારેશ્વર , કુકરવાડા સહિત નદી કિનારે પ્રતિવર્ષની જેમ સોમવારે નર્મદા જન્મજયંતિની શહેરના દશાશ્વમેઘ સ્થિત નર્મદા મૈયા મંદિરે ઉજવણી અંતગર્ત શણગાર , આરતી , પુજા , દુગ્ધાભિષેક કરાયો હતો. કુકરવાડા સ્થિત આશ્રમે પણ મહાપુજન યોજયું હતું. અંગારેશ્વર ગામે નર્મદા મૈયાની આરતી , ચૂંડદી અર્પણ કરાયા હતા. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારે તેમજ વિવિધ મંદિરો અને આશ્રમોમાં નર્મદા જયંતી ધામધૂમથી ઉજવાઇ હતી.

વેજલપુરમાં સમસ્ત માછી સમાજ દ્વારા નૌકાવિહાર, દીપોત્સવ

સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા જયંતિની ઉજવણી અંતગર્ત સવારે 8 કલાકે નર્મદા ભૃગુરુશી યજ્ઞ , શોભાયાત્રા અને નર્મદા પૂજન અને મહાપ્રસાદી આયોજન વેજલપુરમાં કરાયુ છે. જેમાં નૌકાવિહાર, દુગ્ધાભિષેક, ચૂંદડી અર્પણ અને દીપોત્સવ તેમજ ડાયરાના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

ચારેય મહાકુંભ કરતા પણ અધિક કુંભેશ્વર મહાદેવનું ફળ

નર્મદા કાંઠે રાજપીપળા નજીક કુંભેશ્વર મહાદેવ તીર્થ આવેલુ છે. સાત કલ્પો પહેલા દેવતાઓ અને ઋષિઓ દ્વારા કુંભેશ્વર મહાદેવની સ્થાપના કરાઈ હતી. કુંભેશ્વર મહાદેવના દર્શન – પૂજન કરવાથી જે ફળ મળે છે તે ફળ પ્રયાગ , હરિદ્વાર , નાસિક અને ઉજજૈન ચારેય મહાકુંભ કરતા પણ અધિક હોવાનું રેવા પુરાણમાં ઉલ્લેખાયુ છે.

નર્મદા નદીના નામોની રસપ્રદ નમાવલી

નર્મદા મૈયા મોટા મોટા પહાડોને તોડીને તેને રવા જેવા બનાવી દેવાના કારણે એમનુ નામ રેવા થયુ હતુ. મંદ મંદ ગતિથિ વહેવાના કારણે મંદાકીની , ભારતના દક્ષિણ ભાગમાં વહેતી હોવાના પગલે દક્ષિણગંગા , ત્રણેય લોકમાં સમસ્ત પ્રાણીઓના પાપ સમાપ્ત કરવાના કારણે વિપાશા , શંકરની જટામાંથી ઉત્પન્ન થયા હોવાથી જટાશંકરી સહિતના નામથી ઓળખાય છે.

ઝાડેશ્વર અલખધામે 25માં નર્મદા મહોત્સવમાં સવા લાખ દીવડા અને 1000 ચુંદડી અર્પણ કરાશે, સાથે ભવ્ય આતશબાજી

છેલ્લા 24 વર્ષથી ઝાડેશ્વર નર્મદા નદી સ્થિત વિશ્વા ગાયત્રી અલખધામ ખાતે નર્મદા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. શનિવારે નર્મદા જયંતી નિમિતે સાંજે 7 કલાકે ભવ્ય અન્નકૂટ , કિર્તન , મહાભિષેક , આતશબાજી , 1008 સાડી નર્મદા મૈયાને અર્પણ , સવા લાખ દીવડા થકી મહાઆરતી અને મહાપ્રસાદી અને ભવ્ય આતશબાજીનું 1008 મહામંડલેશ્વર અલખગીરીજી મહારાજનાં સાનિધ્યમાં આયોજન કરાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!