- પુર્વ મદદનીશ આદિજાતિ કમિશનરે કરોડો રૂપિયાનું આદિજાતિનુ બજેટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળી સગેવગે કર્યું: AAP MLA
- મનરેગા યોજનામાં નિયામકે કોઈ પણ જાહેર નીવિદા આપ્યા વગર કે ભાવ મંગાવ્યા વગર જલારામ એન્ટરપ્રાઈઝને ડાયરેક્ટ રીન્યુ કરી દઈ 70 કરોડનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
- આગામી સમયમાં અધિકારીઓ અને એજન્સી વચ્ચે ભ્રષ્ટાચારની સાંઠગાંઠ ખુલ્લી પાડવા દરેક આદીવાસી જિલ્લાઓમાં જઈશું: ધારાસભ્ય ચૈતર વસાવા
નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નોને કલેકટર સમક્ષ રજુ કર્યા હતા. બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના સરકારી બાબુઓ પર ગંભીર આક્ષેપ લગાવતા ખડભળાટ મચ્યો છે.
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભુતકાળમાં નર્મદા જિલ્લાના મદદનીશ આદિજાતિ કમિશનરે કરોડો રૂપિયાનું આદિજાતિનુ બજેટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળી સગેવગે કર્યું છે. જેમા બાળકો માટે આવેલા 7.50 કરોડ રૂપિયામાં 10 ગણું વધારે એસ્ટીમેટ બનાવી ભ્રષ્ટાચાર કર્યો છે. શાળા અને આશ્રમ શાળા માટે ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાની લાગતી વળગતી એજન્સીએ બારોબાર ચુકવી દીધા છે. નલ સે જલ યોજનામાં 365 યોજના પુર્ણ બતાવેલી છે પણ કોઈ પણ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, મનરેગા યોજનામાં નિયામકે કોઈ પણ જાહેર નીવિદા આપ્યા વગર કે ભાવ મંગાવ્યા વગર જલારામ એન્ટરપ્રાઈઝને ડાયરેક્ટ રીન્યુ કરી દઈ ₹70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. વન વિભાગ દ્રારા પણ ખોટા ખોટા વાઉચરો બનાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે.
વન વિભાગ દ્રારા દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કૌશલ્ય વર્ધક કેન્દ્રના કાર્યક્રમમાં ભાવ મંગાવ્યા વગર “ચા” ના 1.10 કરોડ રૂપિયા, એસ.ટી નિગમને 35 લાખ રૂપિયા અને ખાનગી વાહનોને 70 લાખ રૂપિયા, મંડપવાળાને 1.19 કરોડ રૂપિયા પોતાની લાગતી વળગતી એજન્સીને વાઉચર પર ચુકવી દીધા છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું, આદિવાસી વિસ્તારમા આવતી તમામ હેતુ માટેની ગ્રાન્ટ લોકો સુધી પહોંચે એ અમારો હેતુ રહેશે. આગામી સમયમાં અમે અધિકારીઓ અને એજન્સી વચ્ચે ભ્રષ્ટાચારની સાંઠ ગાંઠ ખુલ્લી પાડવા અંબાજીથી ઉમરગામ સુધી દરેક આદીવાસી જિલ્લાઓમાં જઈશું.