Published By : Parul Patel
- નર્મદા ડેમ @ 133.26 મીટર, ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને કરાયા એલર્ટ
- સિઝનમાં પહેલી વખત રવિવારે ખુલશે સરદાર સરોવરના દરવાજા !
- ઉપરવાસમાંથી 4.18 લાખ ક્યુસેક પાણીની આવક સામે જાવક માત્ર 53741 ક્યુસેક
- દર કલાકે ડેમના જળસ્તરમાં 12 સે.મી.નો વધારો
- રવિવારે સવારે ડેમના દરવાજા ખોલી 95 હજારથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડવાની શકયતા
- હાલ ઓમકારેશ્વરના 18 અને ઇન્દિરા સાગરના 12 ગેટ ખોલી સરદાર સરોવરમાં છોડાતું પાણી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સીઝનમાં પહેલી વખત ખોલવાની સંભાવનનાને લઈ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરાસાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શકયતાને લઈ એલર્ટ જારી કરાયું છે. ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે.
ડેમના દરવાજા ખોલી ક્રમશઃ 95 હજારથી 2.45 લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી શકે છે. આજે બપોરે 3 કલાકે ડેમની સપાટી 133.26 મીટરે સ્પર્શી હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 5.42 મીટર દુર છે. જોકે 3 વાગ્યા બાદ ઇનફ્લો ઘટીને 3.88 લાખ ક્યુસેક થયો હતો. રિવરબેડ દ્વારા હાલ નર્મદા નદીમાં 44516 ક્યુસેક, કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં 11901 ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. ડેમ 82.15 ટકા ભરાયો છે. આગામી 15 કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલો છે. પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.