ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 26 ફૂટને પાર કરી ગઈ છે. ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર નર્મદા નદી વહી રહી છે. જેને પગલે ભરૂચ નજીક નર્મદા નદીના મધ્યમાં આવેલા નિકોરા બેટની ચારેતરફ પાણી ફરી વળ્યા હતા.જેના કારણે સ્થાનિકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. નિકોરા બેટ પર 100થી પણ વધુ લોકો ફંસાયા હોવાની જાણકારી પોલીસને મળી હતી. જે બાદ આ સ્થિતિની જાણ થતાં જ નબીપુર પોલીસની ટીમે બોટ લઈને નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે બચાવકાર્ય હાથ ધર્યું હતું.નિકોરા બેટ પર ફંસાયેલા 100થી વધુ લોકો માટે પોલીસ દેવદૂત બનીને પહોંચી હતી. પોલીસે ફસાયેલા લોકોને મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. જેમાં પોલીસે બોટ દ્વારા તમામને હાલ સલામત સ્થળે ખસેડ્યા છે.