Published By : Patel Shital
- હવે રજાઓ અને રવિવારે ફરી ઉત્તરવાહિનીમાં પરિક્રમાઓની પરેશાનીઓ ન વધે તે માટે આયોજન
- છાંયડો, આરોગ્ય, એસ.ડી.આર.એફ. પેટ્રોલીંગ બોટ, એમ્બ્યુલન્સ અને પોલીસ જવાનો સુરક્ષા માટે સજ્જ
નર્મદા મૈયાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જુવાળ જોવા મળી રહ્યો છે.
દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા ગોઠવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓમાં નર્મદાની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે.
શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્યલક્ષી વ્યવસ્થા, અન્નક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી શકે તેવા ભાવ સાથે તંત્રએ કામગીરી કરી છે. હોડીઘાટ અને નવી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યું છે.
કલેક્ટર શ્વેતા તેવતિયાએ રેંગણ ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને સ્વયં બોટમાં મુસાફરી કરી હતી. વધુમાં શ્રદ્ધાળુઓના વધુ ઘસારાને પહોંચી વળવા નવી બની રહેલી જેટી (કાચા ઘાટ)નું પણ નિરીક્ષણ કર્યું હતું.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-PARIKRAMA-2-1024x682.jpeg)
શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગ, તાલુકા અધિકારી, તાલુકા મામલતદાર સાથે સમાયાંતરે બેઠકો યોજીને શ્રદ્ધાળુઓને કોઈ અવગડ ન પડે તે માટે ઝીણવટપૂર્ણ માહિતીની સમીક્ષા કરી હતી. ઉપરાંત નર્મદા તટે આવેલા અનેકવિધ આશ્રમોના સંચાલકો સાથે પણ સંકલન કરીને શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાની તમામ ખાતરી કરવામાં આવી રહી છે.
રેંગણ ઘાટ તિલકવાડા ખાતે 20 નાવડીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને શહેરાવ ખાતે 12 થી 14 નાવડીઓ ચાલક સાથે પરિક્રમાવાસીઓ માટે તૈનાત કરવામાં આવી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-PARIKRAMA-5-1-1024x682.jpeg)
પોલીસ વીભાગ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક સુરક્ષા વ્યવસ્થા સહિત 108 તેમજ સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ પણ સ્ટેન્ડ બાય રાખીને શ્રદ્ધાળુઓ માટે ઉચિત સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલ રૂમ કાર્યરત
વડોદરા ખાતેથી SDRF ની ટીમ શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાને લઈને અત્યાધુનિક સાધનો સાથે 24X7 ખડેપગે સેવા આપી રહ્યાં છે. તેમજ કોઈ આકસ્મિક બનાવ ન બને તે માટે નદીમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા 02640-224001 નંબર જાહેર કરવામાં આવેલ છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-PARIKRAMA-1-1024x682.jpeg)
હોડીના સંચાલકો સાથે તંત્રનું સંકલન
શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો તથા બોટની સંખ્યા, નવા ઘાટની સુવિધા, નવા સ્ટેન્ડ સહિત બેરિકેટની વ્યવસ્થા ઉભી કરવા, પ્રવાસીઓને ટિકિટ આપવા તથા બેઠકની મર્યાદા સુનિશ્વિત કરવામાં આવેલ છે. જે માટે તંત્ર અને હોડીના ઇજારદારો સાથે બેઠક થઈ ચૂકી છે.